Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

આ પિતાએ કરી કમાલ, લોકડાઉન પછી દીકરીને સ્કૂલે મૂકવા જવા બનાવ્યું 'સોશિયલ ડિસ્ટન્સિંગ બાઈક'

આ અનોખું બાઈક બેટરી પાવરથી ચાલે છે અને તેની મહત્તમ સ્પીડ ૪૦ કિમી પ્રતિ કલાક છેઃ 'એકવાર બાઈક ચાર્જ કરવા પાછળ લગભગ ૧૦ રૂપિયાનો ખર્ચ થાય છે'

નવી દિલ્હી, તા.૨: વિશ્વમાં ૩૩ લાખથી વધુ લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. કોરોના વાયરસથી બચવા માટે વિવિધ દેશોમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં અનોખા વિડીયો અને ખબરો સામે આવી રહી છે. હાલમાં જ દેશના ઉત્તરપૂર્વીય રાજયમાં એક શખ્સે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવતું બાઈક બનાવ્યું છે.સામાજિક અંતરના મહત્વને ધ્યાનમાં રાખીને ત્રિપુરાના એક વ્યકિતએ એવું બાઈક બનાવ્યું છે જેમાં ચાલક અને પાછળ બેસનારા વ્યકિત વચ્ચે એક મીટરનું અંતર હોય. અગરતલાના ૩૯ વર્ષીય પાર્થ સાહાએ 'સોશિયલ ડિસ્ટન્સિંગ બાઈક' બનાવવા માટે એક જૂની મોટરસાઈકલ ખરીદી હતી.

પાર્થ સાહાએ એક ભંગારની દુકાનમાંથી બાઈક ખરીદ્યું અને તેમાંથી એન્જિન કાઢી નાખ્યું. બાદમાં તેમણે જૂના બાઈકના બે ટુકડા કર્યા વાહનના પૈડાને જોડવા માટે એક મીટરથી થોડા લાંબા સળિયાનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, 'હવે હું મારી આઠ વર્ષની દીકરીને સુરક્ષિત અંતર રાખીને બાઈક પર બેસાડી શકું છું.'

પાર્થ સાહાને અહેસાસ થયો કે કોરોના વાયરસથી જલદી પીછો છૂટશે નહીં ત્યારે તેમને આ પ્રકારનું બાઈક બનાવવાનો વિચાર આવ્યો. આ બાઈક બનાવવા માટે તેમણે પોતાની બચતના રૂપિયા ખર્ચી નાખ્યા. લોકડાઉન ખુલ્યા પછી તેઓ પોતાની દીકરીને આ જ બાઈક પર સ્કૂલે મૂકવા જવાની યોજના બનાવી છે. ટીવી રિપેરિંગ શોપમાં કામ કરતા સાહાએ કહ્યું, 'હું નથી ઈચ્છતો કે મારી દીકરી બસમાં સ્કૂલે જાય કારણે તેમાં ભીડ હશે.'

આ અનોખું બાઈક બેટરી પાવરથી ચાલે છે અને તેની મહત્તમ સ્પીડ ૪૦ કિમી પ્રતિ કલાક છે. સાહાએ જણાવ્યું કે, બેટરીને ત્રણ કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ કરી શકાય છે. ફુલ ચાર્જિંગ સાથે બાઈક ૮૦ કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. સાહાએ કહ્યું, 'એકવાર બાઈક ચાર્જ કરવા પાછળ લગભગ ૧૦ રૂપિયાનો ખર્ચ થાય છે.'

આ બાઈકની ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે પણ પ્રશંસા કરી છે. સીએમે ટ્વીટર પર લખ્યું, 'જરૂરિયાત શોધની જનની છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન જાગૃતિ ફેલાવવા માટે અનોખી મોટરસાઈકલ બનાવનારા ત્રિપુરાના પાર્થ સાહાને શુભેચ્છા આપું છું. ઈલેકિટ્રક બાઈકમાં બે સીટ વચ્ચે ૧ મીટરનું અંતર છે. લોકડાઉન પછી દીકરીને સ્કૂલે મૂકવા જવા માટે તેમણે આ બાઈક તૈયાર કર્યું છે.

(3:28 pm IST)