Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

લગ્ન માટે ૧૦૦ કિમી સાઇકલ ચલાવી છોકરીના ગામ ગયો અને પરણીને વળતા દુલ્હન સાથે ડબલ સવારી કરી

હમીરપુર (ઉત્તર પ્રદેશ) તા.૨: કોરોના વાઇરસના રોગચાળાને કારણે લોકડાઉનની હિંમત હાર્યા વિના ઉત્તર પ્રદેશના ૨૩ વર્ષીય વ્યકિતએ તેના લગ્નની નિયત તારીખ પાછી ઠેલ્યા વિના લગ્ન કરવા કધયાના દ્યરે પહોંચવા માટે ૧૦૦ કિમી સાઈકલ ચલાવી હતી અને પરિવારના સભ્યો વિના જ કધયાના ઘરે પહોંચ્યો હતો. હમીરપુર જિલ્લાના કલકુ પ્રજાપતિના લગ્ન ૨૫ એપ્રિલના રોજ હતા. વહીવટીતંત્રની પરવાનગી માટે તે અંતિમ સમય સુધી રાહ જોતો હતો, પરંતુ જયારે તેને લાગ્યું કે તેને પરવાનગી નહીં મળે, ત્યારે તેણે મહોબા જિલ્લાના પુનિયા ગામમાં રહેતી તેની સ્ત્રીને લાવવા સાઇકલ પર એકલા જવાનું નક્કી કર્યું.

અમને લગ્ન માટે પરવાનગી નહીં મળતા સાઇકલ પર જવા સિવાય મારી પાસે કોઇ જ ઉપાય નહોતો. મારા સાસરાવાળા પણ નક્કી તારીખે લગ્ન માટે તૈયાર હતા અને લગ્નના કાર્ડ પણ છાપ્યા હતા. મારી પાસે મોટરસાઇકલ છે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોવાથી સાઇકલ પર જવાનું નક્કી કર્યું હતું. મેં મારા મોઢા પર રૂમાલ બાંધ્યો હતો અને જિન્સ-ટીશર્ટમાં સાઇકલ પર પહોંચ્યો હતો, એમ પ્રજાપતિએ જણાવ્યું હતું.

ગામના એક મંદિરમાં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. વર અને કન્યા બંનેએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો અને જરૂરી વિધિ પૂરી કરી હતી. હવે બાકીના કાર્યો માટે તેઓ લોકડાઉન ખૂલવાની રાહ જોઇ રહ્યા છે, જેથી ગામવાળાને આમંત્રણ આપી શકાય.

જોકે, લગ્ન બાદ પોતાની પરણેતરને ઘરે લઇ આવવી પ્રજાપતિ માટે વધુ કઠીન હતું કારણ કે તેણે ડબલ સવારી કરવી પડી હતી. તેના પગમાં ભારે દુખાવો થયો હતો અને તેણે ગોળીઓ લેવાની ફરજ પડી હતી. લોકડાઉન ખૂલવાની રાહ કેમ ના જોઇ એવા એક સવાલના જવાબમાં પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેના ઘરમાં માતાની તબિયત સારી નહોતી અને ઘરમાં રસોઇ બનાવવાવાળુ કોઇ નહોતું.

(10:01 am IST)