Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભારતીય મૂળની મહિલા પતિના પાસપોર્ટ પર બ્રિટનથી દુબઇ થઈને નવી દિલ્હી પહોંચી ગઈ :તપાસ શરુ કરાઈ

ગીતાએ દિલ્હી ઈમિગ્રેશનમાં પાસપોર્ટ રજુ કરવાનો હતો.: ભારતમાં પ્રવેશ કરવાની મંજૂરી અપાઈ નહીં

 

લંડન: ભારતીય મૂળની એક મહિલા તેના પતિના પાસપોર્ટ પર બ્રિટનના માનચેસ્ટરથી દુબઈ થઈને નવી દિલ્હી પહોંચી ગઈ.જોકે સુરક્ષા ચૂક ભારતમાં પકડાઈ ગઈ. અમીરાત એરલાઈને ઘટના અંગે તપાસ શરૂ કરી છે. અંગેની વિગત મુજબ માનચેસ્ટરના રુશોલમે વિસ્તારમાં અલંકાર બુટિક ચલાવતી ગીતા મોઘા 23 એપ્રિલના રોજ એક બિઝનેસ ટુર પર ભૂલથી તેના પતિ દિલીપનો પાસપોર્ટ લઈને એરપોર્ટ રવાના થઈ ગઈ. માનચેસ્ટર ઈવનિંગ ન્યૂઝ મુજબ 55 વર્ષની ગીતા ચેક ઈન કરવામાં અને વિમાનમાં બેસી જવામાં સફળ રહી. તે દુબઈ થોડો સમય રોકાઈ અને ત્યારબાદ નવી દિલ્હી પહોંચી.

  ઓવરસીઝ ઈન્ડિયન સિટીઝન (ઓસીઆઈ) કાર્ડ ધારક ગીતાએ દિલ્હી ઈમિગ્રેશનમાં પોતાનો પાસપોર્ટ રજુ કરવાનો હતો. પરંતુ તેને ત્યાં ભારતમાં પ્રવેશ કરવાની મંજૂરી અપાઈ નહીં. તેણે અખબાર (માનચેસ્ટર ઈવનિંગ)ને જણાવ્યું કે ચિંતાજનક છે કે મુસાફરોની તપાસ યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. ગીતાએ કહ્યું કે તેઓ કહે છે કે એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે પરંતુ તમે 2018માં આવું કેવી રીતે કરી શકો? ભારતીય અધિકારીઓએ ગીતાને પાછી દુબઈ મોકલવાની વ્યવસ્થા કરી જેથી કરીને તે પાસપોર્ટની રાહ જોઈ શકે, જે એરલાઈન તેના માટે લઈ આવી.

     એરલાઈન પ્રવક્તાએ જણાવ્યું કે તમામ એરલાઈન્સની જેમ અમે એરપોર્ટ સંચાલકો સાથે નીકટ સમન્વય સાથે કામ કરીએ છીએ જેથી કરીને પાસપોર્ટ તપાસ સંબંધીત તમામ નિયમોને ખુબ ગંભીરતાથી લેવામાં આવે તે સુનિશ્ચિત થઈ શકે. મામલે અમારા ઉચ્ચ માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી અને અમે શ્રીમતી મોઘાની માફી માંગીએ છીએ.

      અત્રે ઉલ્લેખનીય છે કે ગીતાએ માનચેસ્ટર એરપોર્ટ પર ચેકઈન દરમિયાન પોતાનો પાસપોર્ટ બતાવ્યો હતો અને વિમાનમાં સવાર થતા પહેલા પણ બતાવ્યો હતો. દુબઈમાં રોકાણ દરમિયાન તેને પોતાનો પાસપોર્ટ બતાવવો પડ્યો નહતો કારણ કે તેની પાસે ઓસીઆઈ કાર્ડ હતું. પરંતુ જ્યારે તે દિલ્હી એરપોર્ટ પર ઉતરી અને ઈમિગ્રેશન ફોર્મ ભરી રહી હતી ત્યારે ભૂલ પકડમાં આવી. માનચેસ્ટર એરપોર્ટે જણાવ્યું છે કે ઓળખની તપાસ કરવી એરલાઈનની જવાબદારી છે.

(1:06 am IST)