Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભાજપ અંગે કાગળ વગર વાત કરવા મોદીને પડકાર

સિદ્ધારમૈયાએ હવે નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો : મોદીના પડકારને સ્વીકારી લેવા રાહુલને ઓમરનું સુચન

નવીદિલ્હી, તા. ૨ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વળતો પડકાર ફેંક્યો હતો. કોઇપણ પ્રકારના પેપરનો ઉલ્લેખ કર્યા વગર ભાજપના સંદર્ભમાં વાત કરવા સિદ્ધારમૈયાએ મોદીને પડકાર ફેંક્યો હતો. બીએસ યેદીયુરપ્પાની અગાઉની જે સરકાર હતી તે સરકારમાં સિદ્ધિઓ અંગે ૧૫ મિનિટ વાત કરવા મોદીને સિદ્ધારમૈયાએ પડકાર ફેંક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રીનો પડકાર એવા સમયે આવ્યો છે જ્યારે મોદીએ કર્ણાટકમાં ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરતા ગઇકાલે કોંગ્રેસ પ્રમુખને પડકાર ફેંક્યો હતો. કોઇપણ પ્રકારના પેપર હાથમાં લીધા વગર રાજ્યમાં તેમની પાર્ટીની સરકારની સિદ્ધિઓ અંગે કોઇપણ ભાષામાં બોલવા રાહુલને મોદીએ કહ્યું હતું. મોદીએ ગઇકાલે રેલીમાં આ મુજબની વાત કરી હતી. સંસદમાં જુદા જુદા વિષયો ઉપર બોલવાને લઇને રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપ્યા બાદ તેનો જવાબ ગઇકાલે વડાપ્રધાને આપ્યો હતો. રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર સહિત જુદા જુદા વિષય ઉપર સંસદમાં જો ૧૫ મિનિટ સુધી તેમને બોલવાની તક આપવામાં આવે તો વડાપ્રધાન મોદી ઉભા થવાની સ્થિતિમાં રહેશે નહીં. કોંગ્રેસ પ્રમુખના આ નિવેદન બાદ મોદીએ પ્રચારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ વડાપ્રધાન મોદીના પડકારને સ્વિકારી લેવા રાહુલને સૂચન કર્યું છે. કર્ણાટક સરકારની સિદ્ધિઓ અંગે રાહુલે ચોક્કસપણે વાત કરવી જોઇએ. સાથે સાથે વડાપ્રધાને માસૂમ બાળકીઓ ઉપર બળાત્કારના સંદર્ભમાં બે મિનિટ નિવેદન કરવું જોઇએ. દરમિયાન જેડીએસના નેતા દેવગૌડાએ વડાપ્રધાનની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ભાજપ અને જનતા દળ સેક્યુલર વચ્ચે કોઇ સમજૂતિ થઇ નથી. મોદી દ્વારા પોતાની પ્રશંસા કરવામાં આવ્યા બાદ દેવગૌડાએ કહ્યું હતું કે, આ માત્ર રાજકીય નિવેદન છે.

(8:41 pm IST)