Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભ્રષ્‍ટાચારે માજા મૂકીઃ પટ્ટાવાળાની અધધ... સંપત્તિ જોઇ તપાસનીશ અધિકારીઓ દંગ રહી ગયા

નવી દિલ્હીઃ અેસીબી ટીમે આંધ્રપ્રદેશમાં છટકુ ગોઠવીને અેક પટ્ટાવાળાને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછ અને તપાસ કરવામાં આવતા તેની પાસે ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે.

તપાસમાં એની પાસેથી 18 પ્લોટ, 50 એકર જમીન, 7.70 લાખ રૂપિયા રોકડા, બેંક ખાતામાં 20 લાખ, બે કિલો સોનું અને એક કરોડથી વધુની એલઆઇસી પોલિસી સહિતની અધધ... કહી શકાય એવી સંપત્તિ સામે આવી છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, આ શખ્સે ખરીદેલા પ્લોટ 250 સ્કેવર યાર્ડ કરતાં પણ મોટા છે. એક મામુલી પટાવાળાની સંપત્તિ જોતાં તપાસ કરવા આવેલા અધિકારીઓ પણ મોંમાં આંગળા નાંખી ગયા હતા. મામુલી પગાર ધરાવતો આ શખ્સ કે નરસિમ્હા રેડ્ડી નેલ્લોર ડેપ્યૂટી ટ્રાન્સપોર્ટ કમિશ્નર કચેરીમાં ઓફિસ સબ ઓર્ડિનેટ કમ એટેન્ડેન્ટ છે. એનો પગાર 40 હજાર રૂપિયા કરતાં પણ ઓછો છે. જ્યારે એની સંપત્તિ મોટા અધિકારીના પણ ગજા બહારની હોવાનું સામે આવ્યું છે. 

આ શખ્સે જ્યારે 18મો પ્લોટ ખરીદ્યો ત્યારે એસીબીની નજરમાં આવ્યું હતું. એની સંપત્તિ પર સંદેશ જતાં ચકાસણી કરી હતી જેમાં તપાસ કરતાં મોટો ખુલાસો એ સામે આવ્યો હતો કે આ શખ્સે વિજયવાડાના એક શો-રૂમમાંથી સાત કિલો ચાંદી અને સોનાના આભૂષણ એક સાથે ખરીદ્યા હતા. મંગળવારે જ્યારે રેડ્ડીના ઘરે રેડ પાડવામાં આવી તો એસીબીની ટીમ એની સંપત્તિ જોઇ ચોંકી ઉઠી હતી. 18 પ્લોટ એની પત્નીના નામે અને સગાઓના નામે હોવાનું સામે આવ્યું હતું. 

નરસિમ્હા રેડ્ડી 1984થી સરકારી સેવામાં છે. શરૂઆતના સમયમાં એનો પગાર માત્ર 650 રૂપિયા હતો. 34 વર્ષની નોકરીમાં એની બદલી પણ નથી થઇ, જે કચેરીમાં એ નોકરીએ લાગ્યો હતો આજે પણ એ જ કચેરીમાં છે. આજે એનો પગાર 40 હજાર કરતાં પણ ઓછો હોવા છતાં એ  કરોડોની સંપત્તિનો આસામી છે. 

કચેરીના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ શખ્સની આ કચેરીમાં એટલી બધી પકડ છે કે અધિકારીઓ પણ એને પુછીને જ કરતા. આ શખ્સની મરજી વિરૂધ્ધ ઓફિસમાં કોઇ કામગીરી જ ન થઇ શકે એવો માહોલ છે. બઢતી મળે તો પણ આ શખ્સ ના પાડી દેતો અને આ જ કચેરીમાં નોકરી કરતો હતો.

(5:31 pm IST)