Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજસ્‍થાન સરહદે પાકિસ્‍તાને ૩પ૦ બંકર બનાવ્‍યા

ચીનની મદદથી ગંભીર હિલચાલઃ ઇન્‍ડિયા ટી.વી. પાસે તસ્‍વીરો હોવાનો દાવોઃ બંકર સાથે હથિયારો રાખવાનો સ્‍ટોર પણ નિર્માણ કર્યોઃ ડિફેન્‍સ સિસ્‍ટમ વિકસાવી રહ્યાની આશંકા

નવી દિલ્‍હી તા. ૨ : પાકિસ્‍તાન દ્વારા રાજસ્‍થાન સરહદે અતિગંભીર હિલચાલ થતી હોવાના અહેવાલ મળે છે. ‘ખબર ઇન્‍ડિયા'ના દાવા પ્રમાણે ‘ઇન્‍ડિયા ટીવી' પાસે બોર્ડરની એક્‍સકલુસીવ તસવીરો આવી છે. જેના પરથી જાણી શકાય છે કે, રાજસ્‍થાન સરહદી પાકિસ્‍તાને ૩૫૦થી વધારે બંકરો નિર્માણ કરી દીધા છે જે ફકત પાંચ કિ.મી.ના જ અંતરે છે. ઉપરાંત ભારતની સરહદ પાસે પાકિસ્‍તાનને ડિફેન્‍સ તંત્ર વિકસાવવા ચીન મદદ કરી રહ્યું છે.

ખુફિયા રિપોર્ટ પ્રમાણે આ તસવીરો બે સપ્‍તાહ પહેલાની છે. ભારતની સરહદથી માત્ર ૫-૧૦ કિ.મી.ના વિસ્‍તારમાં જેસલમેરના કિસનગઢ, શાહગઢ, ઘોટારૂ, બબલિયાન સરહદને પાર બંકરો નિર્માણ થઇ રહ્યા છે. ઝાડીઓમાં છૂપાવીને બંકરો બનાવવામાં આવે છે. બંકરો માટે એવા પથ્‍થરોનો ઉપયોગ થાય છે, જે સ્‍પષ્‍ટ નજરે ન આવી શકે.

રિપોર્ટમાં જણાવ્‍યું છે કે, ચીનની મદદથી પાકિસ્‍તાન બંકર ઉપરાંત સુરક્ષા માળખુ પણ વિકસાવી રહ્યું છે. પાક.ના ગબ્‍બાર, ચાવલીસ્‍તાન વિસ્‍તારમાં બીઓપીનું નિર્માણ પણ ઝડપભેર ચાલે છે. પાકિસ્‍તાન અહીં હથિયારો રાખવાનું સ્‍ટોર સેન્‍ટર પણ બનાવે છે, તેમ અહેવાલમાં જણાવ્‍યું છે.

અહેવાલમાં જણાવ્‍યું છે કે, કાશ્‍મીરમાં ભારત દ્વારા મળતા જડબાતોડ જવાબના કારણે હવે પાકિસ્‍તાને અન્‍ય સરહદો પર નજર માંડી છે. રાજસ્‍થાન સરહદે થતી હિલચાલ ચિંતાજનક ગણાવાઇ છે.

(3:17 pm IST)