Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગાંધીધામમાં દેવી-દેવતાઓની અપમાનજનક પોસ્ટથી ઉગ્ર રોષ ભભૂક્યો : ટાયરો સળગાવ્યા :રસ્તામાં ચક્કાજામ :તંગદિલી :ટીયરગેસના 8 રાઉન્ડ છોડાયા

એસટી બસ સેવા અટકાવાઈ :લોકો રસ્તામાં ઉતરી આવ્યા :એસપી રબારી પોલીસ કાફલા સાથે દોડ્યા :ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ પહોંચ્યા :ભુજ-નખત્રાણા રોડ ડાયવર્ટ કરી દેવાયો

ગાંધીધામ:ગાંધીધામમાં દેવી દેવતાઓની અપમાનજક પોસ્ટથી લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે લોકો રસ્તામાં ઉતરી આવ્યા છે રોષે ભરાયેલ લોકોએ ટાયરો સળગાવ્યા છે અને ચક્કાજામ કરી દેતા પોલીસ કાફલો દોડી આવ્યો છે
  જાણવા મળ્યા મુજબ ગાંધીધામમાં શાંતિમાં પણ પલીતો ચાંપવાનો કોઈએ પ્રયાસ કર્યો હોય તેમ મહેશ્વરી સમાજના આરાધ્ય દેવી-દેવતાઓ અંગે સોશયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ કરી હતી. જેના ઉગ્ર પડઘા પડ્યાં હતા. પોસ્ટના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવતા તંગદિલી છવાઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કરી દીધા હતા. સ્થિતની ગંભીરતાને જોતાં એસટીની સેવા રોકી દેવામાં આવી હતી.

   ઘટનાની જાણ થતાં કચ્છ પૂર્વના એસપી બી આર રબારી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એટલું નહીં, ગાંધીધામનના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સ્થિતિને થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા.

  સોશયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટથી રોષે ભરાયેલા લોકોએ ગાંધીધામના ટાગોર રોડ પરના ઓસ્લો સર્કલની આસપાસના રસ્તા બ્લોક કરી દીધા હતા. સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, ટોળાંને વિખેરવા પોલીસને ટીયરગેસના 8 રાઉન્ડ છોડવાની ફરજ પડી હતી.

   પોલીસે જણાવ્યું કે, સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ છે અને રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બને તે માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવાઈ છે. દરમિયાનમાં ગાંધીધામમાં તંગ પરિસ્થિતિને પગલે સલામતીના ભાગરૂપે ભુજ-નખત્રાણા તરફથી આવતા વાહનોને માધાપરથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.

 

(12:00 am IST)