Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

'ઓપેક' દેશો ઉત્પાદન વધારશેઃ ઇંધણ સસ્તુ થશે

સરકાર ભલે રાહત ન આપે પણ તેલ ઉત્પાદક રાષ્ટ્રોએ રાહતલક્ષી નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.૨: OPEC+ દેશોએ આખરે તેલનું ઉત્પાદન વધારવા માટેનો નિર્ણય લઈ લીધો છે. મે મહિનાથી તેલનું ઉત્પાદન વધારી દેવામાં આવશે અને આ નિર્ણયથી હવે કાચા તેલની કિંમતોમાં દ્યટાડો આવી શકે છે અને જો કાચું તેલ દ્યટે તો ભારતીયોને પેટ્રોલ-ડીઝલની કિંમત પર રાહત મળી શકે છે.

નોંધનીય છે કે ભારતે પહેલા જ આ દેશોને ઉત્પાદન વધારી દેવા માટે અપીલ કરી હતી પરંતુ ત્યારે આ દેશોએ ભારતની વાત ન માની. જોકે હવે અમેરિકા દ્વારા અનુરોધ કરવામાં આવતા ઓપેક દેશો કાચા તેલનું ઉત્પાદન વધારી દેવા માટે રાજી થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન તરફથી સાઉદી અરબને આગ્રહ કરવામાં આવ્યો હતી કે તેલની કિમતોને કાબૂમા લેવા માટે હવે ઉત્પાદન વધારી દેવું જોઈએ.

નોંધનીય છે કે ઈરાક, કુવૈત, સાઉદી અરબ, વેનેઝુએલા, અજરબૈજાન, બેહરીન, બ્રુનેઇ, કજાકિસ્તાન, મલેશિયા, મેકિસકો, ઓમાન, રશિયા સહિતના દેશોનું એક સંગઠન છે જે તેલના ઉત્પાદન મામલે મોટા નિર્ણય લે છે.

આ દેશોએ કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કરી દીધો હતો. ગઈ વખતે મીટિંગમાં ભારત તરફથી અપીલ કરવામાં આવી હતી કે ઉત્પાદન વધારી દેવામાં આવે. જે બાદ ભારતના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નારાજ પણ થઈ ગયા હતા.

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં તેલની માંગ દ્યટી જવાન કારણે દેશોએ કાચા તેલના ઉત્પાદનમાં કાપ મૂકી દીધો હતો. ઈરાનના પેટ્રોલિયમ મંત્રીએ પુષ્ટિ કરી છે કે કાચા તેલ ઉત્પાદક સમૂહો દ્વારા ૧૧ લાખ બેરલ પ્રતિ દિવસના દરથી ઉત્પાદન વધારી દેવામાં આવશે.

(4:07 pm IST)