Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોનાઃ ચોંકાવનારો ખુલાસો

તબલિગી જમાતના લોકો શાહીન બાગ પ્રદર્શનમાં પણ ગયા'તા

નવી દિલ્હી, તા.૨: કેન્દ્ર અને રાજય સરકારો માટે પરેશાનીનું કારણ બની ગયેલા નિઝામુદ્દીન તબલિગી જમાત મામલે એક મોટી જાણકારી સામે આવી છે. સુરક્ષા એજન્સીઓને શક છે કે તબલિગી જમાત સાથે જોડાયેલા કેટલાક લોકો શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા. હકીકતમાં આંદામાનના રહીશ તબલિગી જમાતના એક સભ્યે તપાસ એજન્સીઓને કેટલીક એવી માહિતી આપી છે કે આ શક વધુ ગાઢ બન્યો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ તબલિગી જમાતના આ સભ્યે તપાસ એજન્સીઓને જણાવ્યું કે તેણે ૧૮ માર્ચના રોજ શાહીન બાગની મુલાકાત લીધી હતી. હાલ તપાસ રિપોર્ટમાં કોરોના વાયરસના લક્ષ્ણોના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ ખુલાસાએ દિલ્હી સરકારની સાથે સાથે શાહીન બાગ પ્રદર્શનકારીઓની પણ ઊંઘ ઉડાવી દીધી છે. તબલિગી જમાત દ્વારા શાહીન બાગમાં સામેલ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે. હવે તપાસ એજન્સીઓ એ જાણવામાં લાગી છે કે તબલિગી જમાત સાથે જોડાયેલા અન્ય કયા કયા સભ્યો શાહીન બાગ ગયા હતાં. તમામ રાજયોની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને આવા તબલિગી જમાતના લોકોને શોધવાનું કામ સોંપાયું છે. તપાસ એજન્સીઓને એવો પણ શક છે કે દિલ્હીની ૧૬ મસ્જિદોને તબલિગી જમાત સાથે લિંક છે.

(3:27 pm IST)