Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

લે બોલ... ભારતના છેવાડાના ગામમાં ભારતીય મોબાઇલ ઓપરેટર કંપનીઓના ટાવર નથી અને ચીનની કંપનીઓના નેટવર્ક પકડાય છે

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશનો ભારત-ચીન બોર્ડર નજીકનો કિબિથૂ કાહો વિસ્તાર છે, મોબાઇલ ફોન અહીં કેટલાય કલાકથી નેટવર્ક ન હોવાથી ડેટ થઈને પડ્યો છે. ત્યાં અચાનક ફોનમાં લાઇટ થાય છે અને અને સ્ક્રિન પર મેસેજ ઝબકે છે વેલકમ ટુ ચાઇના. જી હાં, ભારતીય વિસ્તાર હોવા છતા એકબાજુ ભારતીય કંપનીઓ હજુ અહીં સુધી નથી પહોંચી પરંતુ ચીની કંપનીઓનું નેટવર્ક અહીં સુધી પકડાવા લાગ્યું છે.

જેવો ફોનને થોડો વધુ બોર્ડર તરફ ફેરવ્યો કે ફોનમાં પૂર્ણરુપે ચીની કંપનીના સિગ્નલ પકડાવા લાગ્યા અને ભાષા પણ મંદારિન થઈ ગઈ. તેમજ ફોનમાં સમય પણ ચીનના સ્ટાન્ડર્ડ સમયની જેમ અઢી કલાક આગળ થઈ ગયો.

હકીકતમાં આઝાદીના 71 વર્ષ પછી પણ ભારતાનો આ વિસ્તાર રોડ અને મોબાઈલ નેટવર્કની રાહ જોઈ રહ્યો છે જ્યારે સામે પક્ષે ચીને પોતાની તરફના આ વિસ્તારમાં રોડ, રેલવે અને એરબેઝનું જાળુ રચી દીધું છે. ફક્ત એક જગ્યાની વાત નથી લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની 4057 કિમીની ચીન સાથેની બોર્ડર પર ઠેરઠેર આ જ હાલત છે.

કિબિથૂની વાત કરવામાં આવે તો એક તરફ ભારત તરફનો રસ્તો સતત ભૂસ્ખલનથી બંધ જેવી હાલતમાં હોય છે તો તેની સામે જ નિયંત્રણ રેખાની પેલે પાર ચીનની આર્મીએ શાનદાર મિલિટ્રી કોમ્પ્લેક્સ ઉભું કર્યું છે. ચીન દ્વારા બનાવામાં આવેલ મિલિટ્રી કોમ્પ્લેક્સ ત્રણ માળનું બિલ્ડિંગ છે.

ત્યારે યુદ્ધની સ્થિતિમા જો આ વિસ્તાર સાથે આપણો રોડ માર્ગનો સંપર્ક ટૂટી જાય તો આપણે સૈનિકો અને શસ્ત્ર સરંજામને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ નહીં. અહીં સીમા પર તહેનાત એક ભારતીય સૈનિકે કહ્યું કે વાત રોડની હોય કે મોબાઇલ નેટવર્કની બંનેનું અહીં નામોનિશાન નથી. જેના કારણે અમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં સુધી કો જો કોઈ ઘાયલ થઈ જાય તો તેને લઈ જવા માટે પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જો ચીનની વાત કરવામાં આવે તો તેણે તિબેટના આ સ્વાયત્ત ક્ષેત્રમાં જબરજસ્ત મિલિટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરી લીધું છે. આ વિસ્તારમાં તેણે 14 એરબેઝ, વ્યાપક રેલ નેટવર્ક અને 58000 કિમીના રોડ-રસ્તાઓ બનાવ્યા છે. જ્યારે ભારતે બે દશકા પહેલા રાષ્ટ્રીય સુરક્ષાને લઈને નક્કી કરેલા 73 રસ્તાઓ પૈકી હજુ સુધી 28 જ રસ્તા બની શક્યા છે.

(7:48 pm IST)