Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

નીતિશ - પાસવાનની નજદીકી ભાજપ માટે બની શકે મુસીબત

પટના તા. ૨ : બિહારના રાજકારણમાં અંદરોઅંદર હલચલ જોવા મળી રહી છે. જેડીયૂના નેતા અને બિહારના સીએમ નીતિશ કુમાર તથા એલપીજે ચિફ અને યૂનિયન મિનિસ્ટર રામવિલાસ પાસવાનની નિકટતાએ નવા મોરચાની અટકળો જગાવી છે. જનરલ ઇલેકશન ૨૦૧૯ પહેલાં રામ વિલાસ પાસવાન અને નીતિશ કુમાર સાથે મળીને ભાજપ પર દબાણ લાવી શકે છે.

 

તાજેતરમાં રાજયમાં સર્જાયેલ સાંપ્રદાયિક તણાવ, લો એન્ડ ઓર્ડર બાબતે બિહાર સરકાર પર આરજેડીનું આક્રમણ અને ભાજપનું આક્રમક સ્ટેન્ડ જોઇને જેડીયૂ તથા એલજેપીને ડર છે કે તેઓ મુસ્લિમ તથા દલિતોથી જૂદા થઇ શકે. જીતન રામ માંઝીએ તો NDA સાથે છેડા પણ ફાડી નાખ્યા છે અને RJDની અગેવાનીવાળા 'મહા સંગઠન' સાથે જોડાઇ ગયા છે, ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશ્વાહા પણ જોડાય તેવી શકયતા છે. બીજી બાજુ ભાજપ સામેની લડાઇમાં આરજેડી પોતાના પાયાનું વિસ્તરણ કરશે તેવો નીતિશ અને પાસવાનને ડર છે.

એલજેપી સોર્સે જણાવ્યા મુજબ છેલ્લા ૬ મહિનામાં નીતિશ અને પાસવાસ ૪ વખત મળ્યા છે. એલજેપીના કરોડરજ્જૂ સમાન દલિત સેનાના ૧૪મી એપ્રિલે પટનામાં યોજાનાર રાષ્ટ્રીય સંમેલનમાં નીતિશ અને કુશ્વાહા હાજરી આપશે. તેઓ કહે છે કે મહાદલિત કેટેગરીમાં પાસવાનોને સમાવવાની સીએમ જાહેરાત કરે.

એલજેપીના વરિષ્ઠ કાર્યકરે કહ્યું કે, 'જયારે નીતિશ કુમારે મહાદલિત કેટેગરી બનાવે, તેમણે પાસવાનોનો તેમાં સમાવેશ કરવાને બદલે તેમને આ કેટેગરીમાંથી બહાર રાખ્યા હતા. પણ તાજેતરમાં નીતિશ કુમાર અને પાસવાન વચ્ચેના સમીકરણો બદલાયેલાં જોવા મળી રહ્યાં છે. અમને જાણ કરવામાં આવી છે કે ૧૪ એપ્રિલે યોજાનાર સંમેલનમાં નીતિશ કુમાર પાસવાનને મહાદલિત કેટેગરીમાં સામેલ કરવાની જાહેરાત કરી શકે છે.'

સૂત્રોએ જણાવ્યું કે ખાસ કરીને તાજેતરમાં થયેલા કોમી હુલ્લડો બાદ પોતાની દલિત વોટબેંકમાં કાપો પડી શકે તેવો પાસવાનને ડર છે. ૧૮ માર્ચે તેમણે ભાજને ચેતવણી આપી હતી જે મુસ્લિમો અને દલિતોને એનડીએથી અલગ કરી શકે છે.(૨૧.૧૧)

(11:59 am IST)