Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

વી.કે. સિંહ ૩૯ ભારતીયોના અવશેષો લઇ આજે પરત આવશેઃ અમૃતસર - કોલકાતા - પટણામાં પરિવારોને મૃતદેહો સોંપશે

નવી દિલ્હી તા. ૨ : વિદેશ રાજયમંત્રી વી કે સિંહ ઈરાકમાં મોતને ભેટેલા ૩૯ ભારતીયોનાં અવશેષો લાવવા માટે રવિવારે ઈરાક જવા માટે રવાના થયા છે. ત્યાંથી આજે પરત આવ્યા પછી તેઓ સૌપ્રથમ અમૃતસર, તેના પછી કોલકાતા અને પટણામાં પરિવારજનોને આ અવશેષો સોંપશે. રવિવારે વી કે સિંહે કહ્યું હતું કે 'હું ૩૯ ભારતીયોનાં અવશેષો લેવા માટે ઈરાક જઈ રહ્યો છું. આ અંગે મૃતકોનાં પરિવારજનોને જાણ કરી દેવાઈ છે.'

હાલમાં જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં એ વાતને સમર્થન આપ્યું હતું કે ઈરાકના મોસુલમાં અપહૃત ૩૯ ભારતીયોની હત્યા કરી દેવાઈ હતી. જયારે એક ભારતીય ખુદને બાંગ્લાદેશી ગણાવીને બચી જવામાં સફળ રહ્યો હતો. ૪ વર્ષ પછી આ ૩૯ ભારતીયોનાં મૃત્યુ અંગે જાણકારી આપવામાં આવ્યા પછી મૃતકોનાં પરિવારજનો સરકાર પર રોષે ભરાયા હતા. તેમણે ડીએનએ રિપોર્ટ બતાવવા માટે પણ માગણી કરી હતી. ૨૦૧૪માં આતંકી સંગઠન આઈએસના આતંકીઓએ ઈરાકના મોસુલ શહેરમાંથી ૩૯ ભારતીયોનું અપહરણ કરીને તેમની હત્યા કરી નાખી હતી.(૨૧.૮)

(10:34 am IST)