Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

હારની જવાબદારી સ્વિકારીને પરેશ ધાનાણી-અમિત ચાવડાનાં રાજીનામાં

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની ભૂંડી હાર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગીને એક પછી એક જે રીતે હારનો સામનો કરવો પડી રહ્યો છે તેને જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે રાજીનામા સ્વિકારી લીધા

અમદાવાદ, તા. ૨ : ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે.તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. મોડેથી મળતા અહેવાલો અનુસાર કોંગ્રેસ કેન્દ્રીય મોવડી મંડળે બન્ને હોદ્દેદારોના રાજીનામા સ્વિકારી લીધા હોવાનું જાણવા મળ્યું છે,

ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતમાંથી હાર થઇ છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્રની તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી હાર થઇ છે. ખંભાળિયાના કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમનો દ્વારકા જિલ્લા પંચાયતની ૧૯ સોજિત્રા બેઠક પર પરાજય થયો છે.

તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામા મોકલ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે એક પછી એક જે રીતે હારનો સામનો કરવો પડી રહ્યો છે તેને જોતાં આ રાજીનામા પડ્યા છે. હાલની ચૂંટણીમાં ભાજપે ૨૦૧૦નું પુનરાવર્તન કર્યું છે. ૨૦૧૦માં ભાજપ ૩૦ જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત તરફ છે. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પરાજય તરફ છે. આમ કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.

ગુજરાત કાંગ્રેસના ૩૨મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા સુકાન સંભાળી રહ્યા છે. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પણ કોંગ્રેસના ભૂંડા રકાસ બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું હાઈકમાન્ડને મોકલાવી દીધું છે.

પરેશકુમાર ધીરજલાલ ધાનાણી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુજરાતના ઊંચા ગજાના નેતા છે. તેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના વર્તમાન નેતા છે.તેઓ ૨૦૧૨થી અમરેલીના ધારાસભ્ય છે. અગાઉ તેમણે ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એપ્રિલ ૨૦૦૦માં બી.કોમ. પૂરું કરેલું છે. આ ચૂંટણીમાં પરેશ ધાનાણીના ગઢમાં પણ મોટા ગાબડા પડ્યા છે.

ગુજરાત રાજ્યની ૩૧ જીલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા તથા ૨૩૧ તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં૬૦ ટકાથી વધુનું રેકોર્ડબ્રેક મતદાન થયું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવોલહેરાઇ રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે એવામાં મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસાનગરપાલિકામાં ઓવૈસીની પાર્ટીની ૯ બેઠકો પર જીત થઇ છે.

જ્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી દીધી છે. નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે એવામાં જ્યારે ઓવૈસીની પાર્ટીએ ૯ બેઠકો પર જીત હાંસલ કરી છે એ એક મોટી વાત કહેવાય. અગાઉ પણ રાજ્યમાં મનપાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ ૭ બેઠકો પર જીત હાંસલ કરી હતી. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી. જમાલપુર અને મક્તમપુરામાં ૭ બેઠકો પર ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમએ જીત મેળવી છે.

(7:56 pm IST)