Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લા પંચાયતમાં પરિવર્તન : સત્તા ભાજપના હાથમાં

કુલ ૩૬ પૈકી ભાજપને ૨૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો : ૧૦ વર્ષ બાદ પંચાયતમાં કમળ ખીલ્યું : કોંગીને જાકારો

રાજકોટ તા. ૨ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું છે. એક દાયકા બાદ શાસન મેળવવામાં ભાજપને સફળતા મળી છે. કુલ ૩૬ પૈકી ભાજપને ૨૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી છે. ગયા વખતે ૨૦૧૫માં ભાજપને માત્ર ૨ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળેલ. આ વખતે કોંગ્રેસે સત્તા ગુમાવી છે પરંતુ ૧૧ બેઠકો સાથે વિપક્ષ તરીકે મજબૂત સ્થાન મેળવ્યું છે.

જિલ્લા પંચાયતની સ્થાપનાથી અત્યાર સુધીમાં ભાજપને બે જ વખત માત્ર ૧૯૯૫ અને ૨૦૧૦માં સત્તા મળેલ. આ વખતે મતદારોએ ફરી બેતૃત્યાંશ બહુમતી આપી છે. આવતા પાંચ વર્ષ માટે પંચાયતમાં ભાજપનું શાસન રહેશે. જસદણ - વિંછીયા પંથકમાં ભાજપનું ધોવાણ થઇ ગયું છે. અન્યત્ર મહદ અંશે સારો દેખાવ રહ્યો છે. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ત્રંબા બેઠક પરથી જીતેલા ભૂપત બોદરનું નામ મોખરે છે. પૂર્વ ઉપપ્રમુખ પી.જી.કયાડા પણ પ્રમુખ પદ માટેના ઉમેદવાર માનવામાં આવે છે. મુખ્ય ત્રણ પદો પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પૈકી એક બે પદ પાટીદાર અને એક પદ બક્ષીપંચને મળે તેવા સંજોગો છે.

(3:25 pm IST)