Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

દંડમાંથી કમાણીના ઇરાદે GST વાર્ષિક રિટર્નની મુદત જુન સુધી નહીં લંબાવાય

અત્યાર સુધી માંડ ૧૨% વેપારીઓએ જ વાર્ષિક રિટર્ન ભર્યા : IT રિટર્ન ભર્યા પછી જ GST રિટર્ન ભરવાનો નિયમ છતાં મનમાની

મુંબઇ,તા. ૨: જીએસટી વાર્ષિક રિટર્નની મુદત ૩૦ જૂન સુધી લંબાવવામાં આવે તેવી માંગણી અનેક વેપારી સંગઠન અને ટેકસ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવી હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ માર્ચ સુધી જ મુદત લંબાવવામાં આવી છે. તેના કારણે કેન્દ્ર સરકારને વેપારીઓ પાસેથી વધુમાં વધુ દંડ જ વસૂલવામાં જ રસ હોય તેવો સૂર વેપારીઓની સાથે ટેકસ કન્સલ્ટન્ટોમાં ઊઠી રહ્યો છે.

જયાં સુધી આઇટી રિટર્ન નહીં ભરાય ત્યાં સુધી જીએસટી રિટર્ન ભરી શકાતંુ નથી તેમ છતાં જીએસટી વાર્ષિક  રિટર્નની મુદત ૨૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી. તેની સામે ઓડિટ સાથેનંુ આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી. તેના કારણે ૧૩ જ દિવસ વેપારીઓને જીએસટી રિટર્ન ભરવા માટે મળતા હતા. આજ કારણોસર આજદિન સુધીમાં માંડ ૧૨ ટકા જ જીએસટી રિટર્ન ભરપાઇ થઇ શકયા છે. આ ઉપરાંત જીએસટી વાર્ષિક રિટર્નમાં કેટલાક સુધારા કરીને ૨૦ ડિસેમ્બરે પોર્ટલ પર યુટિલિટી મૂકવામાં આવી હતી. તેમાં પણ સમસ્યા સર્જાતા યુટિલિટીમાં સુધારા કરીને ૨૩ ફેબ્રુઆરીએ ફરીથી તેને અપલોડ કરવામાં આવી હતી. જેથી વેપારીઓને જીએસટી વાર્ષિક રિટર્ન ભરવા માટે પુરતો સમય જ મળી શકે તેમ નહીં હોવાના કારણે છેલ્લી ઘડીએ ૩૧ માર્ચ સુધીમાં રિટર્ન ભરવાની મુદત વધારી છે. જયારે હજુ પણ શહેરના વિવિધ વેપારી સંગઠન, ટેકસ કન્સલ્ટન્ટ, સીએ એસોસિયેશને ૩૦ જૂન સુધી જીએસટી વાર્ષિક રિટર્નની મુદત લંબાવવામાં આવે તેવી માંગણી કરી છે. કારણ કે એક મહિનાનો સમય પણ રિટર્ન ભરવા માટે પૂરતો નહીં હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

સરકારને રિટર્ન કરતા દંડ વસૂલવામાં વધારે રસ

જીએસટી વાર્ષિક રિટર્નની મુદત ૩૦ જૂન સુધી જ કરવામાં આવવી જોઇએ. કારણ કે હાલ પણ આપવામાં આવેલો સમય પૂરતો નથી જયારે સરકારને વેપારીઓ પાસેથી વધુમાં વધુ દંડ અને વ્યાજ મળે તેમાં જ વધુ રસ હોવાના લીધે જ મુદત વધારવાની જાહેરાત કરવામાં આવતી નથી.  

– પ્રશાંત શાહ (ટેકસ કન્સલ્ટન્ટ)

(10:37 am IST)