Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ચીને ૧૦૦૦ અણુ બોમ્બ બનાવ્યા, ૧૦૦ ઉપયોગ કરવાની સ્થિતિમાં

વિશ્વની સૌથી મોટી શક્તિ બનવાનું ચીનનું સ્વપ્ન : પરમાણુ બોમ્બ યુદ્ધ જેવી સ્થિતિમાં રોકેટ ફોર્સના હુમલા માટે અપાશે, તેના માટે રાષ્ટ્રપતિના આદેશની જરૂર હશે

નવી દિલ્હી, તા. અમેરિકાને પછાડીને દુનિયાની સૌથી મોટી મહાશક્તિ બનવાનું સપનું જોઇ રહેલા ચીની ડ્રેગને પોતાના ખતરનાક મંસૂબા પર ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ચીને ૧૦૦૦ પરમાણુ બોમ્બ બનાવી લીધા છે અને તેમાંથી તેણે ૧૦૦ પરમાણુ બોમ્બને તો બિલકુલ ઉપયોગ કરવાની સ્થિતિમાં મૂકી દીધા છે. એટલું નહીં ચીન હવે લાંબા અંતરની પ્રહાર કરનાર કિલર મિસાઇલોને બનાવામાં લાગી ગયું છે. અમેરિકા અને રશિયાની વચ્ચેના હથિયારોને ઘટાડવા માટે નવી સંધિ થયા બાદ ચીનને પોતાના હથિયારોને વર્ષ સુધી વધુ વધારવાની તક આપી દીધી છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ અમેરિકા, રશિયા અને ચીનની પાસે દુનિયાના ૯૦ ટકા પરમાણુ હથિયાર છે. ૧૯૮૦ના દાયકામાં સોવિયત સંઘ અને અમેરિકાની પાસે ૧૦ હજારથી વધુ પરમાણુ બોમ્બ હતા જેને નવી સ્ટાર્ટ સંધિ દ્વારા ઘટાડીને ક્રમશઃ ૬૫૦૦ અને ૫૦૦ સુધી લઇ ગયા છે. સંધિનો હેતુ કુલ પરમાણુ બોમ્બને ઘટાડીને ૧૫૫૦ સુધી લાવવાનો છે. અમેરિકા અને રશિયાએ જ્યાં પોતાના પરમાણુ હથિયારોની સંખ્યાનો ખુલાસો કર્યો છે ત્યાં ચીને તેના પર મૌન સાંધી લીધું છે.

સિપ્રીના રિપોર્ટ પ્રમાણે ચીનની પાસે ૩૨૦ પરમાણુ બોમ્બ છે પરંતુ ચીની સેનાના એક સૂત્ર કહ્યું કે ચીનની પાસે ૧૦૦૦ પરમાણુ બોમ્બ છે. તેમાંથી ૧૦૦ પરમાણુ બોમ્બ એક્ટિવ છે. સૂત્ર દાવો કર્યો કે પરમાણુ બોમ્બ યુદ્ધ જેવી સ્થિતિમાં રોકેટ ફોર્સના હુમલા માટે અપાશે અને તેના માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગના આદેશની જરૂર હશે. નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા અને અમેરિકાની વચ્ચે સમજૂતી બાદ હવે ચીનને પોતાના પરમાણુ હથિયારોને વધારવાની તક મળી ગઇ છે. હોંગકોંગના સૈન્ય નિષ્ણાત અને ચીની સેનામાં રહી ચૂકેલા સોં ઝોંગપિંગ કહે છે કે ચીનની પાસે અત્યારે માત્ર ૧૦૦ પરમાણુ બોમ્બ એક્ટિવ છે અને અમેરિકાના તમામ શહેરોને સંપૂર્ણપણે તબાહ કરવા માટે પૂરતા નથી. આની પહેલાં ચીને ૨૦૧૮ની સાલમાં ખુલાસો કર્યો હતો કે તેની પાસે હવાથી માર કરનાર સીજે-૨૦ ક્રૂઝ મિસાઇલ પરમાણુ બોમ્બ છોડવામાં સક્ષમ છે. મિસાઇલની મારકક્ષમતા અંદાજે હજાર કિલોમીટર છે. ચીન હવે હથિયારોના મામલામાં રશિયા અને અમેરિકાની નજીક પહોંચી રહ્યું છે.

(10:07 pm IST)