Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

૨૦૨૧ના અંત સુધીમાં સેન્સેક્સ ૬૧ હજારની સપાટીએ પહોંચી શકે : મોર્ગન સ્ટેન્લી

કોઈ નવો ઈન્કમ ટેક્સ જાહેર ના કરાતા માર્કેટમાં એક નવું સેન્ટિમેન્ટ ઉભું થયું

મુંબઇ :બજેટ બાદ શેરબજારમાં જોવા મળી રહેલી તેજી વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ૨૦૨૧ના અંત સુધીમાં સેન્સેક્સ ૬૧ હજાર પોઈન્ટ્‌સની સપાટી સુધી પહોંચી જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું છે કે જો હાલની તેજી જળવાઈ રહી તો સેન્સેક્સ ૬૧ હજારના લેવલે પહોંચી શકે.જોકે, મોર્ગન સ્ટેનલીએ આ વર્ષ માટેના તેના ટાર્ગેટને ૫૦ હજારથી વધારીને ૫૫ હજાર જ કર્યો છે. તેનું માનવું છે કે, જો કોર્પોરેટ અર્નિંગ્સ આવતા વર્ષે ૩૭ ટકાના દરે વધે અને અમેરિકન ડોલર ઘટે તો વિદેશી રોકાણમાં વધારો થશે, અને આ સ્થિતિમાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળશે

 .પોતાની એક નોંધમાં મોર્ગન સ્ટેનલી જણાવે છે કે કોઈ નવો ઈન્કમ ટેક્સ જાહેર ના કરાતા માર્કેટમાં એક નવું સેન્ટિમેન્ટ ઉભું થયું છે. આ ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો વધારીને વિકાસ દરને વધારવા તેમજ ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા મૂડી ઉભી કરવાના, બે સરકારી બેંકોનું અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવાના નિર્ણયથી બજારમાં તેજી જોવા મળશે.
મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે કે, ભારતીય શેરબજારમાં વૈશ્વિક બજારોની માફક તેજીનો રસ્તો તૈયાર કરવાનો બજેટમાં પાયો નાખવામાં આવ્યો છે. તેણે સાયકલિનિકલ સેક્ટર્સ, વ્યાજના દર અને સેન્સિટિવ સેક્ટર્સ તેમજ મિડકેપ્સનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે.નાણાંમંત્રી નિર્મલા સિતારમણે ૦૧ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું ત્યારે જ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, અને સેન્સેક્સ ૨૩૦૦ પોઈન્ટ્‌સ જેટલો ઉછળ્યો હતો. આ તેજી આજે પણ જળવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બજેટની અગાઉના સપ્તાહમાં ૫૦ હજારની ઐતિહાસિક સપાટીને વટાવ્યા બાદ સેન્સેક્સ જોરદાર ધોવાયો હતો. સરકારે અર્થતંત્રમાં મૂડીનો પ્રવાહ વધારવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે, અને હેલ્થકેરમાં પણ જંગી ખર્ચ કરવામાં આવશે.મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે બજેટમાં જે જાહેરાતો કરાઈ છે તેના પર જો યોગ્ય રીતે અમલ થયો તો તેનાથી દેશની જીડીપીમાં કોર્પોરેટ્‌સના નફાનો હિસ્સો વધશે.

(8:31 pm IST)