Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

લોકડાઉનમાં સમયનો સદ્ઉપયોગ કરીને અર્થવ આદિત્યરાવે યુટ્યુબ થકી લાખો રૂપિયાની કમાણી કરીઃ અનેક વીડિયો ગુગલ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પણ સામેલ

અમદાવાદઃ એક તરફ કોરોના કાળમાં મોટા ભાગના ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. સંખ્યાબંધ લોકો બેરોજગાર બન્યાં છે. ત્યારે બીજી તરફ એક બાળકે સમયનો સદઉપયોગ કરીને કમાલ કરી છે. આ બાળકનું નામ છે અર્થવ આદિત્યરાવ. હાલ આ નામ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. રાજસ્થાનના સિરોહીમાં રહેતો અર્થવ ભારતનો યંગેસ્ટ યુટ્યુબર બન્યો છે. લોકડાઉનના સમયમાં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને પછી થઈ ગયો કમાલ. હાલ અર્થવ યુટ્યુબ થકી લાખો રૂપિયાની કમાણી કરે છે.

રાજસ્થાનના સિરોહીમાં રહેતો અર્થવ હાલ 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. કોરોના કાળમાં આપવામાં આવેલાં લોકડાઉનના કારણે શાળાઓ બંધ હતી. બીજા બાળકોએ જ્યારે રમવામાં પોતાનો સમય પસાર કર્યો ત્યારે અર્થવ આદિત્યરાવના મનમાં કંઈક બીજું ઝૂનૂન સવાર બહતું. તેણે આ સમયનો સદઉપયોગ કરીને પોતાની યુટ્યુબ ચેનલ તૈયાર કરી. બસ પછી તો આદિત્યએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી.

કોરોના કાળમાં હવે જ્યારે મોટાભાગના રાજ્યોમાં શાળાઓ ખુલી ગઈ છે ત્યારે શાળાએ જવું આદિત્ય માટે નવો અનુભવ રહ્યો. લોકડાઉનના સમયમાં જ આદિત્યને ફેમસ યુટ્યુબરની ઓળખ મળી ચુકી છે. આદિ ટેક નામથી યુટ્યુબ ચેનલ ચલાવનાર આ છોટે ઉસ્તાદને ગેમિંગમાં રસ છે. આદિએ ગેમિંગને જ તેનું કેરિયર બનાવી દિધું છે. ઘણા લોકોને થતું હશે કે ગેમિંગમાં શું કેરિયર હોઈ શકે અને કમાણી પણ કેટલી થઈ શકે? તો તમને જણાવી દઈએ કે આદિ યુટ્યુબથી મહિનાના પાંચ લાખ રુપિયાની કમાણી કરે છે. જી હાં,,મહિનાના પાંચ લાખ રુપિયા..આદિના ઘણા વીડિયો ગુગલ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પણ સામેલ થઈ ચુક્યા છે.

નાની ઉંમરમાં નવી ટેકનીક સાથે કામ કરતા કરતા આદિએ તેનો એક વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને જ્યારે વીડિયોથી આવકની શરુઆત થતાં પરિવારના લોકો આદિને સપોર્ટ કરવા લાગ્યા. માત્ર 14 વર્ષમાં આદિત્ય હવે પ્રોફેશનલ યુટ્યુબર બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો 14 વર્ષના બાળકની સફળતાથી પ્રભાવિત થઈ રહ્યા છે અને આ બાળક ઘણા બેરોજગાર લોકો માટે પ્રેરણારુપ બની રહ્યો છે.

(5:31 pm IST)