Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રૂપિયો કયાંથી આવશે અને કયાં જશે ?

સરકારી તિજોરીમાં ૧૦૦ માંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી આવશે

નવી દિલ્હી,તા. ૨: સરકારી તિજોરીમાં આવનાર દરેક રૂપિયામાંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી આવે એવી જોગવાઇ નાણાકીય વર્ષ ૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત ૩૬ પૈસા કરજ તથા અન્ય લાયેબિલિટીઝમાંથી, ૬ પૈસા ડિસઇન્વેસ્ટમેન્ટ જેવી કરવેરા સિવાયની આવકમાંથી અને ૫ પૈસા કરજ સિવાયની મૂડીગત આવકોમાંથી મળશે.

સંસદમાં રજૂ કરાયેલા બજેટના દસ્તાવેજ મુજબ દરેક ૧૦૦ પૈસા એટલે કે એક રૂપિયામાંથી ૧૫ પૈસાની આવક ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસમાંથી થશે અને કોર્પોરેશન ટેકસની આવક દરેક રૂપિયામાં ૧૩ પૈસા જેટલી હશે.

સરકારના અંદાજ મુજબ ૮ પૈસા કેન્દ્રીય એકસાઇઝ ડ્યુટી, ૩ પૈસા કસ્ટમ્સ ડ્યુટી અને ૧૪ પૈસા આવકવેરામાંથી આવશે.

ખર્ચ બાજુએ દરેક રૂપિયામાંથી ૩૦ પૈસાનો ખર્ચ વ્યાજની ચુકવણી પાછળ થશે. ૧૬ પૈસા રાજ્યોને આપવાના કરવેરા અને ડ્યુટીના હિસ્સામાંથી થશે. સંરક્ષણ પાછળનો ખર્ચ ૧૦૦ પૈસામાંથી ૮ પૈસાનો હશે. કેન્દ્રીય યોજનાઓ પાછળનો ખર્ચ ૧૪ પૈસા અને કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓનો ખર્ચ ૯ પૈસા થશે. ફાઇનાન્સ કમિશન પરનો ખર્ચ તથા અન્ય ખર્ચ મળીને ૧૦ પૈસાનો ખર્ચ થશે જ્યારે સબસીડી પાછળ ૮ પૈસા અને પેન્શન પાછળ ૫ પૈસાનો ખર્ચ થશે. અન્ય ખર્ચ ૧૦ પૈસાનો રહેશે.

(11:19 am IST)