Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ટ્રસ્ટના બેંક ખાતામાં થઇ રહી છે ધનવર્ષા

રામમંદિર માટે એકઠા થયા ૬૦૦ કરોડ

૧૫૦ કરોડના તો ચેક આવ્યા છે કલીયરીંગ માટે

અયોધ્યા તા. ૨ : રામમંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં લગભગ ૬૦૦ કરોડ રૂપિયા જમા થઇ ચૂકયા છે. આ ખાતાઓ અયોધ્યાની એસ.બી.આઇ., પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડામાં છે. આ ખાતાઓમાં જ રોજ આવતી ધનરાશી જમા કરવામાં આવે છે. મકર સંક્રાંતિથી શરૂ થયેલ દેશ વ્યાપી નિધી સમર્પણ અભિયાન માટે આ ત્રણ બેંકોમાં ખાસ ખાતા ખોલાયા હતા. જેમાં અત્યાર સુધીમાં પોણા પાંચસો કરોડ જમા થઇ ચૂકયા છે.

ખાલી એસબીઆઇમાં જ ત્રણસો કરોડ જમા થયા છે. બાકીની રકમ પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડામાં જમા છે. નિધી સમર્પણ અભિયાન સાથે સંકળાયેલા પદાધિકારીઓનું કહેવું છે કે હજુ લગભગ દોઢસો કરોડ રૂપિયાના ચેક કલીયરીંગમાં છે. એક બે દિવસમાં ખાતામાં જમા રકમમાં ઘણો વધારો થઇ જશે. આ અભિયાન માટે બેંકોમાં એક અલગ વીંગ કામ કરી રહી છે, જે સક્રિય રહીને અભિયાનના કાર્યકર્તાઓ ઉપરાંત બેંક કર્મચારીઓની સમસ્યાનું નિવારણ કરે છે.

મંદિર નિર્માણ માટે થયેલા ભૂમિપૂજન પહેલા જ શ્રીરામ જન્મ ભૂમિ ટ્રસ્ટે સ્થાનિક એસબીઆઇ શાખામાં ખાતુ ખોલ્યું હતું. આ ખાતુ દાન આપનારાઓ માટે છે. જેમાં અત્યાર સુધીમાં સવાસો કરોડ રૂપિયા જમા થઇ ચૂકયા છે. તેમાં ઓનલાઇન ઉપરાંત ચેકથી પણ રકમ જમા થઇ છે. આ ખાતામાં જ રામલલાને ચઢાવા રૂપે મળતી રકમ અને ટ્રસ્ટની ઓફિસમાં જમા થતી દાનની રકમ જમા કરવામાં આવે છે.

(10:40 am IST)