Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ઘોર બેદરકારી

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામમાં માસુમ ભૂલકાઓને પોલિયોના ટીપાની જગ્યાએ સેનેટાઇઝરના ડ્રોપ પીવડાવી દેવાયા

બાળકોમાં ઉલ્ટી અને ગભરામણની ફરિયાદ બાદ હોસ્પિટલ દાખલ કરાયા : ત્રણ સ્વાસ્થ્ય કર્મીઓને સસ્પેન્ડ કરાયા

યવતમાલ તા. ૨ : ઘોર બેદરકારીનો એક મામલો મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામમાં જોવા મળ્યો. જયાં ૧૨ બાળકોને પોલિયોના ટીપાની જગ્યાએ સેનેટાઈઝરના ડ્રોપ પીવડાવી દેવાયા. એક અધિકારીએ સોમવારે આ અંગે માહિતી આપી. જિલ્લાના એક અધિકારીએ કહ્યું કે પ્રભાવિત બાળકોને એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં તેમની હાલાત સ્થિર છે. તમામ બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. ત્રણ સ્વાસ્થ્યકર્મીઓ વિરુદ્ઘ આ મામલે ચૂક  બદલ કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના કાપસિકોપરી ગામમાં ભાનબોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ઘટી જયાં એકથી પાંચ વર્ષના બાળકો માટે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. યવતમાલ જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે જણાવ્યું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૨ બાળકોને પોલિયોના ટીપાની જગ્યાએ સેનેટાઈઝરના બે ટીપા પીવડાવી દેવાયા. બાળકોમાં ઉલ્ટી અને ગભરામણની ફરિયાદો જોવા મળી.

તેમણે જણાવ્યું કે જે બાળકોને સેનેટાઈઝરના ટીપા પીવડાવી દેવાયા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામ બાળકોની હાલાત સ્થિર છે. તેમને નિગરાણી હેઠળ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પ્રાથમિક સૂચના મુજબ ઘટનાના સમયે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર એક ડોકટર, એક આંગણવાડી સેવિકા અને એક આશાવર્કર હાજર હતા. તપાસ શરૂ થઈ ગઈ છે અને ત્રણેય સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવશે.

(10:39 am IST)