Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સરકારની પહેલઃ પહેલીવાર બજેટમાં પ્રદૂષણ માટે રૂપિયા ફાળવાયા

કેન્દ્ર સરકાર આ માટે રૂ. ૧,૦૦૦ કરોડ મંજૂર કરી ચૂકી છે

નવી દિલ્હી તા. ૨ : સામાન્ય બજેટમાં દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ પર પણ ચિંતા દેખાઇ. બજેટમાં આ માટે વિશે કાર્ય યોજનાની જાહેરાત થઇ. જે અનુસાર પ્રદૂષણ ખાસ કરીને પરાળના ધુમાડામાંથી દિલ્હી-એનસીઆરને મુકત કરવા માટે આ યોજના રહેશે. તેમાં દિલ્હી ઉપરાંત હરિયાણા, પંજાબ અને ઉત્ત્।ર પ્રદેશ સરકારનો સહયોગ પણ લેવાશે. તેમાં પરાલી સામે લડવાના વિકલ્પ પણ અપાશે. આ વિકલ્પોમાં પરાલીમાંથી વીજળી અને બાયોગેસ બનાવવાનો વિકલ્પ પણ સામેલ છે.

ચાર દિવસ પહેલાં ગ્રીન પીસ ઇન્ડિયાના એક રિપોર્ટમાં દિલ્હીને દેશનું સૌથી પ્રદૂષિત શહેર ગણાવાયું. બીજા સ્થાન પર ફરિદાબાદ અને ત્રીજા સ્થાન પર ભિવંડી રહ્યું. એટલે કે સૌથી પ્રદૂષિત ત્રણેય શહેર દિલ્હી-એનસીઆરના છે. બજેટમાં પ્રદૂષણને સામેલ કરવાની વાતનું પર્યાવરણશાસ્ત્રીઓએ સ્વાગત કર્યું. તેમના જણાવ્યા અનુસાર દિલ્હીને સ્વચ્છ બનાવવાના પ્રયાસો શરૂ થઇ ચૂકયા છે.

સીપીસીબીના સચિવ એ.સુધાકરે જણાવ્યું કે બજેટમાં પ્રદૂષણ અને પરાલીની સમસ્યા ભવિષ્ય માટે એક સકારાત્મક પગલું છે. કેન્દ્ર સરકાર આ માટે રૂ.૧,૦૦૦ કરોડ મંજૂર કરી ચૂકી છે. આવા સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે આગામી વિન્ટર સિઝન સુધીમાં પરાલીની સમસ્યાને દૂૂર કરવા ઘણું બધું કામ થશે અને પરિસ્થિતિ આ શિયાળા કરતાં વધુ સારી રહેશે.

ઇપીસીએના સભ્ય સુનીતા નારાયણે જણાવ્યું કે મને લાગે કે કેન્દ્ર સરકારે પ્રદૂષણનો ઉલ્લેખ કર્યો, પરંતુુ પ્રદૂષણ દૂર કરવા માટે એટલું જ પૂરતું નથી. પ્રદૂષણ માત્ર દિલ્હી-એનસીઆરનો મુદ્દો નથી તેથી મને લાગે છે કે બજેટમાં આખા દેશ માટે વિચારવું જોઇએ.

બીજું બજેટની જાહેરાતમાં પણ કંઇક ઠોસ વિકલ્પ હોવો જોઇએ. ઇન્ડિયન પોલ્યુશન કંટ્રોલ એસોસીએશનના ડેપ્યુુટી ડિરેકટર રાધા ગોયલે જણાવ્યું કે સામાન્ય રીતે પ્રદૂષણ માટે બજેટમાં કોઇ ખાસ જોગવાઇ હોતી નથી, પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે પહેલ કરી છે તેેનાથી થોડીક તો મદદ મળશે. યોજના પર અમલની સાથે સાથે સરકારે ખેડૂતોને પણ જાગૃત કરવાની જરૂર છે.

(3:29 pm IST)