Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પેટ્રોલ-ડીઝલઃ ટેકસ ઘટયો પરંતુ તમને નહીં મળે ફાયદો

પેટ્રોલ - ડીઝલ સસ્તુ નહીં થાયઃ પેટ્રોલની કિંમત ૭૨ને પાર : એકસાઇઝ ડયુટીમાં ૬ રૂપિયાનો ઘટાડો પરંતુ તેના સ્થાને ૮ રૂપિયા પ્રતિ લીટરના રોડ સેસની શરૂઆત

નવી દિલ્હી તા. ૨ : ગુરૂવારે રજૂ થયેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં મધ્યમ વર્ગના લોકોને આશા હતી કે સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ટેકસ ઘટાડીને રાહત આપી શકે છે. સરકારે ટેકસમાં મોટો ઘટાડો કર્યો પણ, પરંતુ તેનો ફાયદો ગ્રાહકોને નહીં મળે.

નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે બેઝિક એકસાઈઝ ડ્યૂટીમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એડિશનલ એકસાઈઝ ડ્યૂટીમાં પણ ૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ તેના સ્થાને ૮ રૂપિયા પ્રતિ લીટરના રોડ સેસની શરૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલ મોંઘુ થવાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે વધારો થઈ ચૂકયો છે. ૨૦૧૪માં બીજેપીની સરકાર બન્યા બાદ પેટ્રોલની કિંમત સૌથી વધારે થઈ ગયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત ૭૨.૯૨ રૂપિયા પ્રતિ લીટર છે. જયારે ડીઝલ ૬૪ રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

બીજેપીની આગેવાની વાળી એનડીએ સરકારે નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચે ૯ વખત એકસાઈઝ ડ્યુટી વધારી હતી. સરકારે ક્રૂડમાં આવેલા ઘટાડાનો ફાયદો ઉઠાવતા પોતાનો ખજાનો ભરવા માટે પગલાં ઉઠાવ્યા હતા. સરકારે પાછલા વર્ષે માત્ર એક વાર ઓકટોબરમાં એકસાઈઝ ડ્યૂટીમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

(11:16 am IST)