Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી : બ્રિટનથી આવેલા ૪ લોકોના રીપોર્ટ પોઝીટીવ : હાહાકાર

ગત તા.૨૩મીએ બ્રિટનથી ૧૭૫ યાત્રીકો અમદાવાદ આવ્યા હતા જેમાંથી ૪ લોકોને કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા હોવાનો ખુલાસોઃ આ ચારેય દર્દીઓની એસવીપીમાં હોસ્પિટલમાં સારવાર ચાલુઃ પુણેના વાયરોલોજીના રિપોર્ટમાં ખુલાસો, હજુ ૬ લોકોના રિપોર્ટ બાકી

રાજકોટ,તા.૨: બ્રિટનમાં આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને ધીરે ધીરે ભારતમાં પગપેસારો કરી દીધો છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં અનેક કેસ સામે આવી ચૂકયા છે. આ બધા વચ્ચે હવે અમદાવાદમાં પણ બ્રિટનના નવા સ્ટ્રેનની એન્ટ્રીના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લંડનથી અમદાવાદ આવેલા અને કોરોના પોઝિટિવ દર્દીઓમાં લંડન સ્ટ્રેન જોવા મળ્યો છે. હાલ આ ચારેય  દર્દીઓને શહેરની એસવીપી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. ગત ૨૩ તારીખે ૧૭૫ મુસાફરો લંડનથી અમદાવાદ આવ્યાં હતા.અન્ય ૬ દર્દીઓનાં આ ટેસ્ટનો રિપોર્ટ  પુણે લોબોરેટરીથી આવવાનાં બાકી છે. ત્યાર બાદ જ પિસ્થિતિ વધારે સ્પષ્ટ બનશે કે તેઓ પણ આ નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં.

બ્રિટનનો નવો કોરોના સ્ટ્રેન અંગે દિલ્હી એમ્સના  ડાયરેકટર ડોકટર રણદીપ ગુલેરિયાએ  નવા સ્ટ્રેન વિશે કહ્યું હતું કે, તે ખુબ જ ચેપી છે અને તેનાથી આપણે વધારે સાવધાની વર્તવાની જરૂર છે. ત્યારબાદ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિ. સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ નવા સ્ટ્રેન વિશે જણાવ્યું હતું કે, બ્રિટનનો કોરોના નવો સ્ટ્રેન ખુબ જ ઘાતક છે. કોરોનાના વાયરસ કરતા પણ નવા સ્ટ્રેનની તકેદારી ખૂબ જરૂરી છે. કોરોના મ્યુટેશનમા થયેલા ફેરફારના લીધે વધુ ચિંતાજનક લાગી રહ્યું છે. નવા સ્ટ્રેન પર સરકાર અને ડોકટરોની પણ નજર છે. સ્ટ્રેનના લીધે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના કારણે દરેક લોકોને સતર્કતા રાખવા માટે જણાવવામાં આવ્યું છે.ગઈકાલ શુક્રવાર સાંજ સુધીના વિતેલા ૨૪ કલાકમાં રાજયમાં કોરોનાના નવા ૭૩૪ કેસ નોધાયા છે. રાજયમાં વધુ ૩ દર્દીના મોત નિપજયાં છે. દૈનિક મોતની સંખ્યા છેલ્લા ૨૫૯ દિવસમાં સૌથી ઓછી નોધાઈ છે. આ પહેલા ગત ૧૬મી  એપ્રિલના રોજ રાજયમાં એક જ દિવસમાં બે દર્દીના મોત થયા હતા, ત્યાર બાદ બીજા દિવસે ૧૭મી એપ્રિલે અમદાવાદમાં ૪ અને રાજયમાં ૫ દર્દીના મોત થયા હતા. એ પછી આ આંકડો સતત વધતો રહ્યો હતો. અત્યાર સુધીમા કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૪૫,૭૨૨હ્યા પહોચી ચુકી છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં રાજયના કુલ ૪,૩૦૯ નાગરીકોએ દમ તોડયો છે.

ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઇ ગઇ છે. યૂકેથી આવેલા ચાર લોકો નવા વાયરસની ચપેટમાં આવ્યા છે. તેને સારવાર માટે અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨૩ ડિસેમ્બરના ૧૭૫ મુસાફરી લંડન ફ્લાઇટમાં અમદાવાદમાં આવ્યા હતા. આ તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વહિવટી તંત્રના અનુસાર સાવધાની વર્તવામાં આવી રહી છે., આ ચારેયમાં નવા વાયરસની પુષ્ટિ થઇ છે. અન્ય ૬ લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે. સંદિગ્ધ આ તમામને સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.

નવા સ્ટ્રેન વાયરસે બ્રિટનમાં હાહાકાર મચાવી દીધો છે. બ્રિટનમાં સરકાર સાવધાની રાખતાં લોકડાઉન જાહેર કરી દીધું છે. યૂકેથી આવનાર ફ્લાઇટોમાં આ નવા સ્ટ્રેન સાથે ઘણા લોકો ભારત પહોંચ્યા છે. ભારતમાં અત્યાર સુધી સૌથી વધુ ૨૪મી વધુ નવા સ્ટ્રેનથી પીડિત લોકો આવ્યા છે. કેન્દ્ર સરકારના અનુસાર ભારતમાં નવા સ્ટ્રેનનો ખતરો વધુ છે. આ વાયરસ કોરોનાથી ૭૦ ટકા વધુ ચેપી છે.

(2:59 pm IST)