Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઈન્ડોનેશિયામાં ભયંકર પુર અને ભૂસ્ખલનમાં 21 લોકોનાં મોત:30 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર

કારો પાણીમાં ડૂબી : સંખ્યાબંધ ઘરોમાં પાણી ઘુસ્યા : અનેક એરપોર્ટના રનવે બંધ : જાકાર્તાના સેંકડો જિલ્લાઓમાં વીજ પુરવઠો ઠપ્પ

નવી દિલ્હી : ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 21 લોકોનાં મોત નીપજ્યાં છે. આશરે 30 હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર એજન્સીએ ગુરુવારે કહ્યું હતું કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આજે પણ ભારે વરસાદની સંભાવના છે.

   અધિકારીઓના જણાવ્યા મુજબ, જકાર્તામાં ડૂબી જવાથી, ભૂસ્ખલનથી, હાઈપોથર્મિયા (શરીરનું અસામાન્ય તાપમાન) અને વીજળી પડવાથી લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં કારો પાણીમાં ડૂબી ગઈ હતી. ઘરોમાં વરસાદી પાણી ઘુસવાને લીધે ઘણું નુકસાન થયું છે અને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર ચાલુ છે.

ઇન્ડોનેશિયાના વીજ વિભાગે જણાવ્યું છે કે જકાર્તાના સેંકડો જિલ્લાઓમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. અહીં લગભગ 3 કરોડ લોકો રહે છે. જકાર્તાના હલીમ એરપોર્ટનો રનવે પૂરને કારણે અસ્થાયી રૂપે બંધ કરાયો છે. ફ્લાઇટ્સનું સંચાલન પાટનગરના મોટા સોઇકર્નો એરપોર્ટથી કરવામાં આવે છે.

નવેમ્બરથી ઇન્ડોનેશિયામાં સતત વરસાદ પડી રહ્યો છે. આ અગાઉ 2013 માં જકાર્તામાં પૂરને કારણે લગભગ 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તો 2007 માં આવેલા ભયાનક પૂરમાં 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

(12:49 am IST)