Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

જેકે લોન હોસ્પિટલમાં બે દિનમાં નવ બાળકના મોત

ડિસેમ્બરમાં જ મોતનો આંકડો ૧૦૦ને પાર : ૩૦ અને ૩૧ ડિસેમ્બરે ૯ બાળકોના મોત સરકારે તપાસ સમિતિ : ચાર દિનની બાળકીના મોત બાદ ભારે હોબાળો

કોટા, નવીદિલ્હી, તા. ૨ : રાજસ્થાનના કોટામાં ૧૦૦થી વધુ બાળકોના મોત બાદ રાજ્યની અશોક ગહેલોત સરકારે ચારેબાજુથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી ભાજપ રાજ્ય સરકાર તીવ્ર પ્રહારો કરી રહી છે. બીજી બાજુવ મુખ્યમંત્રી ગહેલોત આ મામલે રાજનીતિ નહીં કરવાની અપીલ કરી હતી. આ તમામ વચ્ચે એક મહત્વપૂર્ણ સવાલ એ છે કે, બાળકોના મોત કેમ થઇ રહ્યા છે.

રાજસ્થાનના કોટામાં જેકે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો સીલસીલો ચાલુ છે. બુધવારે વધુ એક બાળકનું મોત થયું છે. પ્રસૃતિ વિભાગના ઈ-વોર્ડમાં દાખલ ૪ દિવસની એક બાળકીનું મૃત્યુ થયું છે. તેના મોતનું કારણ કડકડતી ઠંડી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગત ૩૦-૩૧ ડિસેમ્બરે આ હોસ્પિટલમાં ૯ બાળકોના મૃત્યુ થયા હતા. ડિસેમ્બર મહિનામાં નવજાત બાળકોના મોતનો આંકડો ૧૦૦ સુધી પહોંચી ગયો. ૨૦૧૯માં અહીં ૯૬૩ બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને રાજસ્થાન સરકાર અને પ્રિયંક ગાંધીનું નામ લીધા વગર સવાલ કર્યો. માયવતીએ લખ્યું- જે માતાઓએ તેમના બાળકને ગુમાવ્યા છે, તેને શા માટે કોંગ્રેસ જનરલ સેક્રેટરી હજી સુધી મળ્યા નથી ? શિશુ રોગ વિભાગના એચઓડી ડો. એ એલ બૈરવાએ જણાવ્યું કે ૩૦ ડિસેમ્બરે કોટા જિલ્લાના ખાતૈલી અને બારાં જિલ્લાના ૨ નવજાત બાળકોના મોત થયા હતા.

             ૩૧ ડિસેમ્બરે સાંગોદ, બારાં, બંૂદી, કોટના વિજ્ઞાન નગર અને ચશ્મના બાવડીના રહેવાસી ૫ નવજાત બાળકોના મોત થયા. આ બાળકો લો બર્થ વેટ, કેટલાક પ્રી-મેચ્યોર ડિલીવરી અને માઈલ્ડ ઈન્ફેક્શનથી પીડિત હતા. રાજ્ય સરકારની તપાસ કમિટીએ નવજાત બાળકોના મોતનું કારણ હોસ્પિટલના ખરાબ વેન્ટિલેટર અને વાર્મરને ગણાવ્યા હતા. સરકારે તેને રીપેર કરવાના આદેશ આપ્યા હતા. જેકે લોનમાં શિશ રોગ વિભાગના એચઓડી ડો. એ એલ બૈરવાએ જણાવ્યું કે અહીં મૃત્યુ પામનાર ૭૦થી ૮૦ ટકા બાળકો નવા જન્મેલા હોય છે. એમાં પણ સૌથી વધુ સંખ્યા એ બાળકોની હોય છે, જે બીજી જગ્યાએથી રીફર થઈને આવે છે. કડકડતી ઠંડીમાં નવજાત બાળકોને બીજી જગ્યાએથી અહીં લાવવા તે ખતરનાક છે.

            નવજાત બાળકને જીવીત રાખવા માટે ૩૬.૫થી ૩૭.૫ ડિગ્રી તાપમાન હોવું જરૂરી. તેનાથી ઓછા તાપમાનમાં હાઈપોથર્મિયા ખતરામાં રહે છે, જે બાળકો માટે જીવલેણ છે. હાલ કોટાનું તાપમાન ૪ ડિગ્રી સુધી પહોંચ્યું છે. પ્રસતૃતિ વોર્ડમાં પોતાની માતાની સાથે દાખલ તમામ નવજાત બાળકો આ તાપમાનમાં રહે છે. અહીં હીટર કે વોર્મર પણ નથી. આવામાં નવજાત બાળકો કઈ રીતે જીવતા રહે ? તે સમજી શકાય તેમ નથી. એક્સપર્ટ માને છે કે નવજાત બાળક જેવું તેની માતાના ગર્ભમાંથી બહાર આવે કે તરત જ તેનું તાપમાન મેન્ટેન કરવું તે ખૂબ જ જરૂરી છે. કારણ કે બાળક ૩૭ ડિગ્રી તાપમાનવાળા માતાના ગર્ભમાંથી સીધુ જ ૪ ડિગ્રીવાળા તાપમાનમાં આવે છે. તેનાથી તેના મગજને નુકસાન થઈ શકે છે. કોટાથી દક્ષિણ ધારાસભ્ય સંદીપ શર્માએ ગાયત્રી પરિવારના સહયોગથી ૧૫ રૂમમાં હીટર અને ૫૦ ચોરસાની વ્યવસ્થા કરાવી.

વોર્ડમાં હવા જાળીવાળી બારીમાંથી આવે છે.....

કોટા, નવીદિલ્હી, તા. ૨ : ડોક્ટર દરેક મોત પર પોતાનો તર્ક આપી રહ્યાં છે, જોકે હાલ હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકો માટે કડકડતી ઠંડી જીવલેણ સાબિત થઈ રહી છે. બુધવારે પાર્વતી પત્ની દેવપ્રકાશે ૪ દિવસ પહેલા ઓપરેશનથી સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. ૪ દિવસ સુધી બાળકી તેમની સાથે હતી. સવારે ૯ વાગ્યે ડોક્ટરે રાઉન્ડ લીધો, ત્યાં સુધી બાળકી સ્વસ્થ હતી, જોકે ૧૧ વાગે તેનું મોત થયું. બાળકીના દાદા મહાવીરે જણાવ્યું કે અમે અંદર જવાનો પ્રયત્ન કરતા રહ્યાં પરંતુ સિક્યોરિટીએ અમને અંદર જવા દીધા ન હતા. જ્યારે અંદર પહોંચ્યા તો બાળકી મૃત્યુ પામી હતી. ઠંડીના કારણે પણ કદાચ બાળકીનું મોત થયું હશે એમ કહેવામાં આવી રહ્યું છે.

(7:47 pm IST)