Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અયોધ્યામાં ૭૦ વર્ષમાં પ્રથમવાર રામલલ્લાને જમાડાયો છપ્પન ભોગ

અયોધ્યા, તા. ૨ :. અયોધ્યામાં બિરાજમાન રામલ્લાને ૭૦ વર્ષ બાદ નવા વર્ષે પ્રથમવાર નવા વસ્ત્રો પરિધાન કરાવીને છપ્પન પ્રકારની વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો. હવે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ટ્રસ્ટની રચના કરીને મંદિર નિર્ણયનું કાર્ય આરંભ થશે.

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ મંદિર નિર્માણનો ઈંતેજાર ખતમ થઈ ગયો છે. રામલલ્લા ૭૦ વર્ષના વિવાદ બાદ મુકત થયા છે ત્યાર નવા વર્ષે લાખો શ્રધ્ધાળુઓ હનુમાન મઢી, કનકભવન સહિત રામલલ્લાના દર્શન-પૂજન કરવા અયોધ્યા પહોંચ્યા હતા.

નવા વર્ષના પ્રથમ દિવસે રામલલ્લાનો જલાભિષેક થયા હતા અને નવા વસ્ત્રો પરિધાન કરાવીને બપોરના ૧૨ વાગ્યે મીઠાઈઓ અને ફળો સહિત છપ્પન પ્રકારનો ભોગ ધરવામાં આવ્યો હતો.

અયોધ્યામાં ગઈકાલે ઉત્સવનો માહોલ હતો. રામ જન્મભૂમિના પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસે જણાવ્યુ હતુ કે, રામ જન્મભૂમિમાં ઉત્સવનો માહોલ હતો આમ તો રામનવમીના રોજ રામલલ્લાને ૫૬ પ્રકારના ભોગ ધરાવાય છે પરંતુ નવા વર્ષના મોકા ઉપર વિવાદમુકત રામલલ્લાને છપ્પન ભોગ જમાડવામાં આવ્યો હતો અને વિશેષ પ્રકારની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

મંદિરના મોડલમાં કોઈ બદલાવ નહી થાયઃ ચંપતરાય

દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપતરાયે જણાવ્યુ હતુ કે મંદિરના નક્કી થયેલા મોડલમાં કોઈ બદલાવ નહી થાય. ૧૯૮૯માં સંતો-મહંતોએ જે મોડલનો સ્વિકાર કર્યો હતો તે જ મોડલ ઉપર મંદિર નિર્માણ કાર્ય હાથ ધરાશે.

(3:57 pm IST)