Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

૧ મહીનામાં દિલ્હીના લોકો રૂ.૧૦૦૦ કરોડનો દારૂ ગટગટાવી ગયા

ઠંડી વધી હોવાના બહાને

નવી દિલ્હી, તા.૨:વીતેલા ડિસેંબર માસમાં ઠંડી વધી હોવાના બહાને દિલ્હીવાસીઓએ એક મહિનામાં ૧,૦૦૦ કરોડ રૂપિયાનો શરાબ ગટગટાવ્યો હતો એવો અહેવાલ મળ્યો હતો

રેવેન્યુ વિભાગને પ્રોડકટ ડ્યૂટી રૂપે ગયા વર્ષ કરતાં આ વર્ષના ડિસેંબરમાં ખાસ્સી વધુ આવક થઇ હતી. સૌથી વધુ શરાબ ૨૫મી અને ૩૧મી ડિસેંબર વચ્ચે વેચાયો હતો એવું આ અહેવાલમાં જણાવાયું હતું.

આબકારી જકાત વિભાગે જણાવ્યું હતું કે ડિસેંબર માસમાં ૧,૦૦૦ કરોડનો શરાબ એકલા દિલ્હીમાં વેચાયો હતો જેના પગલે સરકારી તિજોરીમાં ૪૬૫ કરોડ રૂપિયા કરવેરા અને ડ્યૂટી રૂપે જમા થયા હતા. શરાબ પર ૪૮ ટકા સેલ્સ ટેકસ છે. ગયા વરસે આ જ સમયગાળા દરમિયાન ૪૬૦ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થયા હતા.

સરકારી પ્રવકતાએ કહ્યું હતું કે આ વરસે ૪૮૫ કરોડ સેલ્સ ટેકસ રૂપે મળવાની ધારણા હતી પરંતુ આ વરસે ડિસેંબરમાં દિલ્હીના ૧૨૦ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ વિવિધ કારણો અને આંદોલનોના પગલે બંધ હતા એટલે શરાબનું વેચાણ ધાર્યા મુજબ થયું નહોતું. વર્ષના અન્ય મહિનાઓમાં આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં મહિને ૧૫ કરોડ રૂપિયાનો શરાબ વેચાય છે. ડિસેંબરમાં શરાબનું વેચાણ વધીને ૨૨થી ૨૫ કરોડનું થતું હોય છે. આ વરસે ઠંડી વધુ હોવાથી શરાબ સારા એવા પ્રમાણમાં વેચાયો હતો.

(3:56 pm IST)