Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સાયરસને ચેરમેન બનાવવાના એપલેટ ટ્રિબ્યુનલના આદેશને તાતા સન્સે સુપ્રીમમાં પડકાર્યો

નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે (NCLAT) અગાઉ સાયરસ મિસ્ત્રીની હકાલપટ્ટી ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું

મુંબઈ, તા.૨: દેશના સૌથી પ્રતિષ્ઠિત કોર્પોરેટ જૂથ તાતા સન્સમાં ચેરમેન પદની ખેંચતાણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ દ્વારા ગત મહિને સાયર મિસ્ત્રીની તાતા સન્સના ચેરમેન પદેથી હકાલપટ્ટીને ગેરકાયદે ઠેરવીને તેમને પુનઃ ચેરમેન પદે સ્થાપિત કરવા આદેશ આપ્યો હતો. તાતા સન્સે હવે એપલેટ ટ્રિબ્યુનલના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ બાબતની અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં રજાઓ હોવાથી હવે કોર્ટ ખુલ્યા બાદ આ કેસની સુનાવણીની તારીખ નક્કી થશે.

તાતા સન્સ પાસે એપલેટ ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારવાનો વિકલ્પ રહેલો છે અને તેને પગલે તેઓ આ વિકલ્પનો ઉપયોગ કરવા માંગે છે. ટ્રિબ્યુનલે તાતા સન્સને જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં ફેરવવાને પણ ગેરકાયદે ઠેરવી છે.

એનસીએલએટી દ્વારા ગત મહિને સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના ચેરમેન પદે નિયુકત કરવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદામાં કેટલાક ફેરફાર કરવાની રજીસ્ટ્રાર ઓપ કંપનીઝની અરજીને શુક્રવાર સુધી ટાળી છે. ટ્રિબ્યુનલના બે જજોની બેન્ચનું નેતૃત્વ જસ્ટિસ એસ જે મુખોપાધ્યાય કરી રહ્યા છે. આ બેન્ચે કોર્પોરેટ બાબતોના મંત્રાલયને કંપની કાયદા અંતર્ગત ખાનગી અને જાહેર કંપનીની વ્યાખ્યાની વિગતો આપવા જણાવ્યું છે. આ ઉપરાંત બેન્ચે પેઈડ અપ કેપિટલના મુદ્દે પણ સ્પષ્ટતા માંગી છે.

તાતા સન્સ વતી રજૂ થયેલા વકીલે એપલેટ ટ્રિબ્યુનલને માહિતી આપી હતી કે જૂથે ૧૮ ડિસેમ્બરના ટ્રિબ્યુનલના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે અને આ મેટર હવે લિસ્ટ થશે.

(3:37 pm IST)