Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

૧પમી જાન્યુઆરી બાદ નિર્ણય

મહત્વના નિર્ણયોનો ફાયદો ન મળતા ભાજપ ચિંતિતઃ સંગઠન-સરકારમાં ધરખમ ફેરફારોની તૈયારી

નવી દિલ્હી, તા. ર : લોકસભામાં ચૂંટણીમાં મોટી સફળતા અને ત્યાર પછી કેન્દ્ર સરકારના પહેલા છ મહિનામાં મોટા અને ઐતિહાસિક નિર્ણયોનો ખાસ લાભ ચૂંટણીમાં ન મળતા ભાજપાની મુશ્કેલીઓ વધી છે. આ સમયગાળા દરમ્યાન પોતાના શાસનવાળા ત્રણ રાજયોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ફકત હરિયાણામાં ગઠબંધન બનાવીને સરકાર બનાવી શકી છે. પક્ષના ઉચ્ચ હોદ્દે બિરાજતા સુત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં જ સરકાર અને સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે જેથી બન્ને સ્તરે વધુ મજબૂતીપૂર્વક કામ થઇ શકે અને લોકો સુધી પ્રભાવિ રીતે પહોંચી પણ શકે. વડાપ્રધાન મોદીએ ગયા મહીને પોતાની સરકારના પહેલા છ માસની કામગીરીની વ્યાપક સમીક્ષા કરી હતી.

આ દરમ્યાન તેમની સામે વિભિન્ન મંત્રાલયોની કામગીરી સામે આવી છે. લગભગ અડધો ડઝન પ્રધાનો જેમની પાસે બે અથવા તેથી વધારે ખાતાઓ છે તેમનું કામ વધારે હોવાથી પ્રભાવિત થાય છે. કેટલાક પ્રધાનો પોતાની સફળતાને જનતા સુધી નથી પહોંચાડી શકયા. એટલે સરકારમાં ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ફેરફારની શકયતા છે. સરકાર બજેટ અને દિલ્હીની ચૂંટણી પછી પહેલો ફેરફાર કરે તેવી શકયતા છે.

અત્યારે ભાજપા સંગઠન ચૂંટણી પ્રક્રિયામાં છે અને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે આ પ્રક્રિયા ફેબ્રુઆરી સુધીમાં પૂરી થવાની સંભાવના છે એટલે સંગઠનમાં પણ રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરે કેટલાક ફેરફાર થવાની શકયતા છે. લગભગ અડધો ડઝન મુખ્ય નેતાઓ સરકાર અને સંગઠનમાં અહીંથી ત્યાં થઇ શકે છે. સંગઠન સ્તરે હાલમાં ત્રણ રાજયોમાં સંઘ સાથે સંકળાયેલા પ્રચારકોને સંગઠનની જવાબદારીઓ પણ સોંપાઇ છે.

(11:25 am IST)