Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

૧૪ ધારાસભ્યો નારાજ ઉધ્ધવ સમક્ષ ફરિયાદ કરશે

મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળના વિસ્તરણ બાદ શિવસેનામાં ભડકાના એંધાણઃ ૧૪ની બગાવત?

મુંબઇ તા. ૨: મહા વિકાસ આઘાડી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ બાદ શિવસેના કોંગ્રેસ અને એનસીપી ત્રણેય સત્તાધારી પક્ષના વરિષ્ઠ નેતાઓનો અસંતોષ વધી રહ્યો છે આમાં સૌથી વધુ નારાજગી શિવસેનામાં જોવાઇ રહી છે . સેનાના ૧૪ વિધાનસભ્ય  પક્ષના નિર્ણયથી ખુશ ન હોવાનું કહેવાય છે આ નારાજ વિધાનસભ્યો પક્ષ પ્રમુખ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક- બે દિવસમાં મળીને રજૂઆત કરે એવી શક્યતા છે.

મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના, એનસીપી, અને કોન્ગ્રેસ એકસાથે આવ્યાબાદ મંત્રીમંડળના વિસ્તારણ કરાયા બાદ શિવસેનામાં રાજ્યભરના જિલ્લાઓમાંથી અસંતોષના સુર નીકળી રહ્યા છે. જેઓ અગાઉ પ્રધાન હતા એવા દિવાકર રાવતે, રમદાસ કદમ, ભાસ્કર જાધવ, રવિન્દ્ર વાયકર, દીપક કેસરકર, તાનાજી સવંત વગેરેને અવગણીને ઉદ્ધવ ઠાકરેએ નવા ચહેરાઓને તક આપી છે. આમ કરવામાં અનેક નેતાઓનાં પત્તા કાપવામાં આવ્યા છે. વિધાનસભ્યોમાં ચડભડ વધવાથી તે અનેક રીતે બહાર આવી રહી છે.

રામદાસ કદમ ખૂબ નારાજ હોવાથી તેઓ શિવસેનાના નેતાપદેથી રાજીનામુ આપવાના મૂડમાં હોવાનુ કહેવાય છે. શિવસેનાના ઓવળા-માજીવાડા વિસ્તારના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ  પોતાની નારાજગી વ્યકત કરી છે. કદાચ મારી નિષ્ઠા ઓછી પડી. આગામી સમયમાં હુ એ બતાવી દઇશ એવા શબ્દોમાં તેણે પોતાની નારાજગી બોલીને બતાવી છે.

વિધાનસભા ચુંટણી પહેલા એનસીપીમાંથી શિવસેનામાં આવેલા કોકણના નેતા ભાસ્કર જાધવે ઉદ્ધવ ઠાકરેએ આપેલુ વચન પાળ્યુ નહી  હોવાનુ કહીને પોતાની વ્યથા માંડી છે. હું સતામાં ન હોવા છતા સત્તાધારી પક્ષમાં છુ.

મારી નિષ્ઠા  કયા ઓછી પડી, મારી ભૂલ કયા થઇ એ  હું ઉદ્ધવ ઠાકરેને પુછીશ. ઉદ્ધવ ઠાકરેને મળવાનો સમય માગ્યો છે મને લાગે છે તેઓ મારી નારાજગી દુર કરશે. એવુ જાધવે કહ્યુ હતુ. મંત્રીમંડળમાં મને સ્થાન મળવાની આશા હતી. પણ છેલ્લી ઘડીએ શુ થયુ  એ મને ખબર નથી.

(11:19 am IST)