Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ભારતમાં નવા વર્ષે વિશ્વમાં સૌથી વધુ ૬૭૦૦૦ બાળકોનો જન્મ

યુનિસેફની જાહેરાતઃ વિશ્વભરમાં ૨૦૨૦ના પ્રથમ દિવસે ૩,૯૨,૦૭૮ બાળકોએ જન્મ લીધો જેના ૧૭ ટકા ભારતમાં: ભારત પછી ચીન, નાઈજીરીયા, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, અમેરિકાનો સમાવેશઃ ૨૦૧૮માં ૨.૫ મીલીયન શિશુઓનું મૃત્યુ પ્રથમ માસમાં જ થયું તેમાંથી એક તૃત્યાંશના મોત પ્રથમ દિવસે જ થાય છેઃ ભારતમાં સામાન્ય રીતે રોજ ૬૯૦૦૦ બાળકો પેદા થાય છેઃ દેશમાં દર વર્ષે ૫૦ લાખ બાળકોનો જન્મ ઘરમાં જ થાય છેઃ નવા વર્ષે પ્રથમ બાળક ફીઝીમાં જન્મ્યું

નવી દિલ્હી, તા. ૨ :. બાળકોના કલ્યાણ માટે કામ કરતી સંયુકત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફના જણાવ્યા પ્રમાણે નવા વર્ષે એટલે કે ૨૦૨૦ના પ્રથમ દિવસે સમગ્ર વિશ્વમાં ૩,૮૬,૦૦૦ બાળકોએ જન્મ લીધો. જેમા ભારતનું સ્થાન પહેલુ છે. ભારતમાં ૧લી જાન્યુઆરીના રોજ ૬૮૦૦૦ બાળકોનો જન્મ થયો. તે પછી ચીનનો ક્રમ આવે છે જ્યાં ૪૪૭૬૦ બાળકોએ જન્મ લીધો. ત્રીજા સ્થાને નાઈજીરીયા છે જ્યાં વર્ષના પ્રથમ દિવસે ૨૦૨૧૦ બાળકોએ જન્મ લીધો. તે પછી પાકિસ્તાન ૧૪૯૧૦, ઈન્ડોનેશિયા ૧૩૩૭૦, અમેરિકા ૧૧૨૮૦, કોંગો ૯૪૦૦, ઈથોપીયા ૯૦૨૦ અને બાંગ્લાદેશ ૮૩૭૦નું નામ છે.

યુનિસેફે જણાવ્યુ છે કે ૨૦૧૬માં વર્ષના દરેક દિવસે ૨૪ કલાકની અંદર અંદાજે ૨૬૦૦ બાળકોના મોત થયા. લગભગ ૨૦ લાખ નવજાત શિશુઓ માટે તેમનુ પહેલુ સપ્તાહ જ તેમનું અંતિમ રહ્યુ હતું. આ શિશુના મોતની પાછળ સેપ્સિસ અને ન્યુમોનિયા જેવી બિમારીઓ કારણભૂત છે. યુનિસેફનો દાવો છે કે આ મોતને રોકવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. એવુ પણ જણાવાયુ છે કે છેલ્લા ૩ વર્ષની અંદર શિશુ મૃત્યુદરમાં ઘણો ઘટાડો થયો છે. ભારત અંગે યુનિસેફે કહ્યુ છે કે અહીં રોજ ૬૯૦૦૦ બાળકો પેદા થાય છે. જન્મનો પ્રથમ દિવસે માતા અને બાળકો માટે જોખમ ભર્યો રહે છે કારણ કે એ જ દિવસે અર્ધો મૃત્યુદર નોંધાય છે. ૪૦ ટકા બાળકોના મોત જન્મના દિવસે જ થઈ જાય છે. ભારતમાં દર વર્ષે લગભગ ૫૦ લાખ બાળકોનો જન્મ ઘરમાં જ થાય છે. બાળકોના મોતને રોકવા માટે જરૂરી છે માતાઓને સારૂ સ્વાસ્થ્ય મળે. યુનિસેફે એ બાળકની પણ માહિતી આપી છે જે નવા વર્ષે વિશ્વમાં પહેલો પેદા થયો. આ બાળક ફીઝીનો છે અને તેનો જન્મ ૧૨.૧૦ કલાકે થયો હતો.

(10:59 am IST)