Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અનોખો પ્રેમઃ ખેડુતની ગાય મૃત્યુ પામતા કાઢી અંતિમ યાત્રાઃ સંગમમાં પધરાવી અસ્થિઓઃ ૧૩મું કરશે

ગાયનું નામ હતું કૃષ્ણાઃ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદાય

મહોબા, તા.૨:ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં ગૌવંશોને રખડતા છોડી દેવાનો એક રિવાજ બની રહ્યો છે. આવામાં મહોબા જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. અહીંના મુઢારી ગામમાં મંગળવારે એક ખેડૂતની ગાયનું મૃત્યુ થઈ ગયું. માતમના માહોલ વચ્ચે ખેડૂતે ના માત્ર પોતાની પ્રિય ગાયનો અંતિમ સંસ્કાર કર્યો પણ હવે તેની અસ્થિઓ સંગમમાં વહાવી ત્રયોદશીની પણ તૈયારી થઈ રહી છે.

મહોબા જિલ્લા ખેડૂત બલરામ મિશ્રાના ઘરે ૨૦ વર્ષ પહેલા જન્માષ્ટમીના દિવસે જન્મેલી ગાયનું નામ 'કૃષ્ણા' રાખવામાં આવ્યું હતું. ગાય ૧૦મી વખત ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ સોમવારે ગર્ભમાં જ મરી ગયું આ કારણે તમામ પ્રયાસો છતાં પણ ગાયનું મોત થઈ ગયું.

ખેડૂતે ગાયના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા. તેના મૃતદેહને પહેલા લાલ રંગના કપડામાં ઢાંકવામાં આવ્યું અને પછી તેને બળદગાડામાં મૂકી બેન્ડબાજા સાથે શોકમગ્ન ધૂન વગાડી અંતિમ યાત્રા કાઢવામાં આવી. અંતિમ યાત્રામાં ગામા દ્યણા લોકો શામેલ થયા. બાદમાં વૈદિક મંત્રો અને હિન્દુ રિત-રિવાજો સાથે ગાયનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

ગોપાલક ખેડૂત બલરામ મિશ્રાએ જણાવ્યું કે, 'કૃષ્ણા અમારા પરિવાર માટે 'મા'જેવી હતી. અમે તેને કયારેય ખીલે નથી અને તે કયારેય ઘરેથી જંગલમાં ચારો ચરવા માટે ગઈ નથી. આખો દિવસ દરવાજા આગળ બેસી રહેતી હતી. કૃષ્ણાનું નામ લેતા જ તે પાછળ-પાછળ આવતી હતી. ગાય નહીં, અમારી માતાનું અવસાન થયું છે. એટલે પરિવારના સભ્યોની જેમ તેનો પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.'

ખેડૂતે કહ્યું કે, 'કૃષ્ણાની અસ્થિ (પ્રતીક સ્વરૂપ ગાયના નખ એટલે કે ખરી) પ્રયાગરાજ સંગમમાં પ્રવાહિત કર્યા બાદ તેના તેરમામાં બ્રાહ્મણ/કન્યા ભોજન ઉપરાંત ગામના તમામ ગ્રામીણોને આમંત્રિત કરવાની યોજના છે.'ગૌ માતાના મોત પર કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમ તે તમામ લોકો માટે પાઠ જે ગાયનું દૂધ કાઢી લે છે અને દૂધ ન આપતી હોય અથવા ઘરડી થઈ જાય ત્યારે તેને રઝળતી મૂકી દે છે.

(10:08 am IST)