Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

તમામ પાડોશી દેશોને મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવીઃ ચીન-પાકિસ્તાનને ડિંગો

બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, શ્રીલંકા વગેરેને યાદ કર્યા

નવી દિલ્હી, તા.૨: નવા વર્ષ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બુધવારે પાડોશી દેશોના વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને આ રીતે ભારતની 'પહેલો સગો પાડોશી'ની નીતિ પ્રત્યે પ્રતિબદ્ઘતા દાખવી હતી. ખાસ વાત તો એ રહી હતી કે વડાપ્રધાને પાકિસ્તાન પ્રમુખ સાથે વાત કરી નહોતી. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછીથી પાકિસ્તાન દુનિયાભરમાં ભારત વિરુદ્ઘ દુષ્પ્રચાર કરવામાં લાગ્યું છે. જોકે, તેને દરેક બાજુએથી ભયંકર પછડાટનો સામનો કરવો પડી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ ઉપરાંત મોદીએ ભૂટાનના વડાપ્રધાન લેટે શેરિંગ, શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ સાથે વાત પણ કરી હતી અને તેને શુભકામનાઓ આપી હતી.

વડાપ્રધાન મોદીએ પાડોશી દેશોના રાષ્ટ્રધ્યક્ષને સમગ્ર ભારતવાસીઓ તરફથી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. તેમણે દરેક મોરચે ભારતના દોસ્તો અને ભાગીદારોને શાંતિ, સુરક્ષા, સમૃદ્ઘિ અને પ્રગતિની ભાવના પર ભાર આપ્યો હતો. ભૂટાન નરેશ સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદીએ બન્ને દેશો વચ્ચે એકબીજાના દેશોમાં યુવાનોની અવરજવરને વધારવાની જરુરિયાત પર ભાર મૂકયો હતો. આ દરમિયાન વડાપ્રધાને ભૂટાન નરેશને મળવા માટે આગામી કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પણ પીએમની શુભકામનાઓનો ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો હતો અને બન્ને દેશો વચ્ચે દોસ્તીભર્યા સંબંધોને ૨૦૨૦માં વધુ મજબૂત કરવા પર ભાર આપ્યો હતો. આ બન્ને નેતાઓએ આ દિશામાં સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ઘતા જણાવી હતી.

વડાપ્રધાન મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને શુભકામના આપતા આશા દર્શાવી કે માલદીવના લોકો વિકાસની દિશામાં પોતાની કોશિશમાં સફળ થશે. રાષ્ટ્રપતિ સોલિહે પણ વડાપ્રધાનની શુભકામનાઓનો ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો હતો અને બન્ને દેશો વચ્ચે સંબંધોને મજબૂત બનાવવા તેમજ હાલના દ્વિપક્ષીય સહયોગને વધારે ઉંચાઈએ લઈ જવા માટે સહયોગ સ્થાપવાની ઈચ્છા દર્શાવી હતી.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે વાતચીતમાં વડાપ્રધાને તેમને અવામી લીગના આવતા ૩ વર્ષ સુધી ફરીથી અધ્યક્ષ ચૂંટાવા માટે શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને ભારતમાં બાંગ્લાદેશના રાજદૂત રહી ચૂકેલા સઈદ મુઅઝઝમ અલીના નિધન પર શોક દર્શાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે ૨૦૧૯માં  ભારત-બાંગ્લાદેશ વચ્ચે સંબંધોમાં પ્રગતિ રહી હતી. વડાપ્રધાન મોદીએ સાથે એ પણ કહ્યું કે બંગબંધુની ૧૦૦મી જયંતી અને બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ થવા પર બન્ને દેશો વચ્ચે નજીકના સંબંધો વધશે.

(10:06 am IST)