Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અમે પોતાને રાજકારણથી દુર રાખીએ છીએ : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સીબીએસ તરીકે જવાબદારી સંભાળી : સરકારના આદેશો મુજબ અમે કામ કરીએ છીએ : ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન મજબુત કરાશે : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની પ્રતિક્રિયા

નવીદિલ્હી, તા.૧  : નવા નિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આજે તેમની જવાબદારી સંભાળી લીધી હતી. બિપિન રાવતે મોટી જવાબદારી સંભાળી લીધા બાદ કહ્યું હતું કે, સશસ્ત્ર દળ પોતાને રાજનીતિથી દુર રાખે છે અને સરકારના નિર્દેશ મુજબ કામ કરે છે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સશસ્ત્ર દળોના રાજનીતિકરણ કરવાના આક્ષેપ થઈ રહ્યા છે. જનરલ રાવતે એમ પણ કહ્યું હતું કે, સીબીએસ તરીકે તેમના મુખ્ય હેતુ ત્રણેય સેનાઓની વચ્ચે સંકલન વધુ મજબુત કરવા પર કેન્દ્રીય રહેશે અને એક ટીમની જેમ કામ કરવા પર ધ્યાન રાખશે. બીજી બાજુ એરફોર્સના વડા આરકેએસ ભદોરિયાએ કહ્યું હતું કે, સીડીએસને લઈને સરકારે નિર્ણય લીધો છે તે ખુબ જ સાહસિક નિર્ણય છે. આનાથી ત્રણેય સેનાઓની વચ્ચે તાલમેલ વધુ મજબુત થશે. તેમણે કહ્યું હતું કે, જે જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ પોસ્ટની રચના કરવામાં આવી છે તેમને નિર્ધારીત સમયમાં લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.

           સીડીએસને લઈને વાયુસેનાની ભૂમિકા પર તેમણે કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાને પૂર્ણ રીતે સપોટ મળશે. સંયૂક્તની ભાવના લાવવા તમામ પ્રયાસ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ પ્રયાસોે ગંભીરતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે. અગાઉ જનરલ બિપીન રાવત આજે બુધવારના દિવસે દેશના પ્રથમ સીડીએસ તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી. સરકારે સોમવારના દિવસે જ તેમને દેશના પ્રથમ સીડીએસ તરીકે નિમ્યા હતા. સીડીએસની ઓફિસ સાઉથ બ્લોકમાં સેકન્ડ ફ્લોર પર રહેશે. સીડીએસના કારના ફ્લેગ પણ અલગ પ્રકારના રહેશે. વર્કિંગ ડ્રેસમાં પણ વિશેષ માહિતી મળી શકશે. ગઇકાલે જ રાવતની નિમણૂંક સીડીએસ તરીકે કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન આ પોસ્ટ ઉભી કરવાની માંગ જોરદારરીતે ઉઠી હતી. આ પોસ્ટને સરકારે લીલીઝંડી આપી દીધી છે.

(12:00 am IST)