Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મહારાષ્ટ્રમાં જાતિય હિંસાને લઇ રાહુલના સંઘ પર પ્રહાર

સંઘ-ભાજપની વિચારધારા પ્રગટ થઇ છે : રાહુલઃ દલિતોને ભારતીય સમાજમાં નિમ્ન સ્તરે રાખવાના પ્રયાસ

નવીદિલ્હી, તા.૨, ૨૦૦ વર્ષ જુના યુદ્ધને લઇને મહારાષ્ટ્રમાં ભડકેલી જાતિય હિંસા પર રાજનીતિની શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ હિંસાને લઇને ભાજપ અને સંઘ ઉપર પ્રહારો કર્યા છે. આજે ટ્વિટ કરીને રાહુલે કહ્યું હતું કે, ભારત માટે સંઘ અને ભાજપના દ્રષ્ટિકોણ એક છે કે, દલિતોને ભારતીય સમાજમાં નિમ્ન સ્તર પર જ રાખવામાં આવે. રાહુલ ગાંધીએ ઉનાની ઘટના અને રોહિત વેમુલાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે, ઉનાની ઘટના રોહિત વેમુલાની ઘટના અને ભીમા કોરેગાંવની ઘટના આના દાખલા છે. આ સમગ્ર મામલો પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના દિવસે થયેલા યુદ્ધને લઇને છે. અંગ્રેજો અને પેશ્વા બાજીરાવ વચ્ચે કોરેગાંવ ભીમામાં યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં અંગ્રેજોએ પેશ્વાને હાર આપી હતી. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફોજમાં દલિત સમુદાયના લોકો પણ હતા. હવે આ યુદ્ધમાં પોતાની જીતની ઉજવણી કરવા માટે પુણેમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દલિત અને મરાઠા સમુદાયના લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય રાજકીય પક્ષોએ પણ સમગ્ર મામલામાં પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી છે. મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ચક્કાજામ અને રસ્તા રોકોના કાર્યક્રમો યોજાયા હતા.

મુંબઈમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. મુલુંદ, ચેમ્બુર, રમાપાઈ આંબેડકર નગર, કુર્લામાં રસ્તા રોકો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વિવાદ હજુ આગળ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, દલિત અને મરાઠી સમુદાયના લોકો આમને સામને આવેલા છે. સાવચેતીના તમામ પગલા તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે.

(9:58 pm IST)