Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વિવાદાસ્પદ બિલ હાલ રજૂ નહીં થાય : તબીબી હડતાળ સમેટાઈ

કમિટિમાં જરૂરી વાંધા-સૂચનો રજૂ કરાયા બાદ નવી રણનીતિ : વિવાદાસ્પદ એનએમસી બિલ સંસદમાં રજૂ નહીં કરી હાલ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ વિચારણા માટે મોકલી દેવાયું : તબીબોને સંતોષ થતાં હડતાળ સમેટાઈ

અમદાવાદ, નવીદિલ્હી,તા. ૨ : મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા(એમસીઆઇ)ને વિખેરી તેના બદલે નેશનલ મેડિકલ કાઉન્સીલ બીલને પસાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલી તજવીજના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશને તેની સાથે સંકળાયેલા દેશભરના છ લાખથી વધુ ડોકટરો આજે એક દિવસની પ્રતીકાત્મક હડતાળ પર ઉતર્યા હતા અને જબરદસ્ત રીતે બ્લેક ડે મનાવ્યો હતો. ડોકટરોની હડતાળને પગલે ગુજરાત સહિત દેશભરની આરોગ્ય સેવા પર ગંભીર અસરો પડી હતી. જેને પગલે કેન્દ્ર સરકારે વિવાદીત એનએમસી બીલને સંસદમાં રજૂ નહી કરી તેને સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ પુનઃવિચારણા અર્થે મોકલ્યું હતું. જયાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પદાધિકારીઓ તેમના વાંધા-સૂચનો રજૂ કરશે અને ત્યારબાદ આગળની રણનીતિ જાહેર કરશે. આમ, કેન્દ્ર સરકારના હકારાત્મક પ્રતિસાદને પગલે બપોર બાદ ડોકટરોની હડતાળ લગભગ સમેટાઇ હતી.

        ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત બ્રાંચના પ્રમુખ ભુપેન્દ્ર શાહ અને પૂર્વ પ્રમુખ યોગેન્દ્ર મોદીએ આ અંગે જણાવ્યું હતુ કે, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે જોડાયેલા રાજયના ૨૫ હજારથી વધુ ડોકટરો આજે હડતાળમાં જોડાયા હતા. જેમની સાથે રાજયની ૨૩ મેડિકલ કોલેજોના ૧૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ હડતાળમાં જોડાયા હતા અને એનએમસી બીલના વિરોધમાં બ્લેક ડે મનાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, અમારી મુખ્ય માંગણી હતી કે, આ બીલ સંસદમાં રજૂ ના થાય તેનો સ્વીકાર કરી કેન્દ્ર સરકારે આ બીલને સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મોકલી આપ્યું છે, તેથી હવે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, નવી દિલ્હીના પદાધિકારીઓ બીલ સંદર્ભે ડોકટરો તરફથી જરૂરી વાંધા-સૂચનો રજૂ કરી પોતાનો પક્ષ મૂકશે અને ત્યારબાદ આગળની રણનીતિ જાહેર કરવામાં આવશે. તેમણે ડોકટરોની અમારી હડતાળના કારણે દર્દીઓ અને તેના સગાવ્હાલાઓને અસર ના થાય તેનું ખાસ  ધ્યાન રાખવામાં આવ્યું હતુ અને તેથી ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ કેર સર્વિસીસ ચાલુ રાખવામાં આવી હતી.   જો કે, રાજયભરના ડોકટરોની આજની હડતાળને પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની આરોગ્ય સેવાને ગંભીર અસર પહોંચી હતી.

કેટલીક જગ્યાએ દર્દીઓ અને સગાવ્હાલાઓએ ડોકટરોના હડતાળના વલણને લઇ રોષ પણ ઠાલવ્યો હતો. જો કે, કેન્દ્ર સરકારના હકારાત્મક પ્રતિસાદને પગલે બપોર બાદ ડોકટરોની હડતાળ લગભગ સમેટાઇ ગઇ હતી.

બિલની જોગવાઇઓ....

        અમદાવાદ, નવી દિલ્હી,તા. ૨ : તબીબોએ આજે સવારમાં હડતાળ પાડી હતી પરંતુ બપોરમાં હડતાળ સમેટી લીધી હતી. સરકારે ખાતરી આપતા આ હડતાળ સમેટાઈ હતી. બિલની વિવાદાસ્પદ જોગવાઈ નીચે મુજબ છે.

*     આ બીલથી મેડિકલ કોલેજ શરૂ કરવા પરના નિયંત્રણો લગભગ હટી જશે

*     એનએમસી ઇચ્છે તેને મેડિકલ કોલેજની પરવાનગી આપશે

*     કોઇપણ ખાનગી મેડિકલ કોલેજ તેની જાતે યુજી અને પીજીની બેઠકો વધારી શકશે

*     સરકારી મેડિકલ કોલેજમાં સરકારનું માત્ર ૪૦ ટકા બેઠકો પર જ નિયમન થઇ શકશે

*     બાકીની ૬૦ ટકા બેઠકો પર ખાનગી કોલેજો તેની રીતે ફી ના ભાવો નક્કી કરી શકશે

*     આર્થિક દંડમાં રૂ.પાંચ કરોડથી રૂ.૧૦૦ કરોડ સુધીની જોગવાઇ કરાઇ છે, તેનાથી ભ્રષ્ટાચારને બહુ મોટુ ઉત્તેજન મળશે

*     અનસાયન્ટીફિક મીક્ષીંગ સીસ્ટમને લઇ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાની દહેશત

*     કોઇપણ વિદેશી તબીબ ભારતમાં કોઇ નિયંત્રણ વિના પ્રેકટીસ કરી શકશે

*       વિદેશી તબીબી સ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્ક્રીનીંગ ટેસ્ટ નાબૂદ

(8:06 pm IST)