Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મુંબઇ આગઃ સ્ટ્રેચર ન મળ્યું તો કોન્સ્ટેબલે ખભે નાખી બચાવ્યા જીવ

બહાદુર કોન્સ્ટેબલે બચાવ્યા ઘણા જીવઃ મુંબઇના મેયરે સન્માન કર્યું

મુંબઇ તા. ૨ : મુંબઈના લોઅર પરેલના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલા પબમાં લાગેલી આગમાં ૧૪ લોકો ભડથું થઈ ગયા હતા જયારે ૨૧ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં હજી પણ મૃતાંક વધી શકયો હોત, પણ એક બહાદુર કોન્સ્ટેબલની સાહસિકતાએ ઘણા લોકોને ભડથું થતા બચાવ્યા. આ કોન્સ્ટેબલ છે સુદર્શન શિંદે, જેમણે પોતાના જીવના જોમખે એક પછી એક ખભે ઊંચકીને આગમાં બહાર કાઢ્યા હતા.

તેમની બહાદુરી બદલ મુંબઈના મેયરે સુદર્શન શિંદેનું સન્માન પણ કર્યું છે. સુદર્શન પોતાના જીવની પરવાહ કર્યા વિના આગમાં કૂદી ગયા હતા અને ત્રણ લોકોના જીવ બચાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર સુદર્શન શિંદેની એક તસવીર વાઇરલ થઈ રહી છે. તેમાં તેઓ એક ઇજાગ્રસ્ત મહિલાને ખભે ઊંચકીને બહાર કાઢી રહ્યા છે. એવું કહેવાય છે કે, શિંદેએ આ બહાદુરી ન બતાવી હોત તો મૃતાંક વધી શકયો હોત.

આગ દુર્ઘટનાની રાતે શિંદેએ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, 'જયારે હું આગના સ્થળે પહોંચ્યો તો ત્યાં ખૂબ જ ધુમાડો હતો. ફાયરબ્રિગેડની મદદ માટે હું સીડીથી ઉપર તરફ ભાગ્યો. અમે તમામ લોકોના જીવ બચાવવા વિશે વિચારી રહ્યા હતા. જવાળાઓ ખૂબ જ વિશાળ હોવાથી અમે લોકોને સ્ટ્રેચર પર લાવી શકતા નહોતા. તેથી મેં અંદર જઈને ખભા પર ઊંચકીને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું.'

આ દુર્ઘટના ગુરૂવારે રાતે સાડા બાર વાગ્યે બની હતી. આ દરમિયાન પબમાં એક બર્થડે પાર્ટી ચાલી રહી હતી. જે સમયે આગ લાગી, તે સમયે કેટલીક મહિલાઓએ જીવ બચાવવા માટે પોતાને વોશરૂમમાં લોક કરી દીધી. મોટા ભાગનાં લોકોનાં મોત ગૂંગળામણને કારણે થયા હતા. પોલીસને મોટા ભાગના મૃતદેહ વોશરૂમમાંથી મળ્યા હતા.(૨૧.૭)

(10:37 am IST)