Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

૧૩૦ વર્ષ બાદ પ્રથમ વખત ડિસેમ્બરમાં આવી રહયું છે વાવાઝોડુ

હવે વાવાઝોડા 'જવાદ' નો ખતરોઃ ઓડીસ્સા-આંધપ્રદેશમાં ત્રાટકશે

શનિવારે આંધપ્રદેશ-ઓડીસ્સાના દરીયાકિનારે પહોંચશેઃ ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ તા.૧, બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડુંની શક્યતા છે. બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિકસિત થઈ રહી છે, જે   ૪ ડિસેમ્બર એટલે કે શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આને કારણે જે વાવાઝોડું સર્જાશે, જેને જવાદ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જવાદ શનિવાર સુધી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારાને ટકરાશે.બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલને કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. એ સિવાય હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

 હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે થાઈલેન્ડ અને એની આસપાસના વિસ્તારોમાં લોપ્રેશર બન્યું છે. જે આગામી ૧૨ કલાકમાં આંદામાન સાગર સુધી પહોચશે. ત્યાર પછી એ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને ૨ ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ અને નજીકની બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી ૪ ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્ર-દેશ-ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવાની શક્યતા છે. આ લો પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ સીસ્ટમ્સની અસરથી ગુજરાતમાં, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે જ્યારે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ  પણ વરસાદ થવાની શક્યતા છે.

 વર્ષ ૧૮૯૧થી ૨૦૨૦ દરમિયાન ડિસેમ્બર મહિનામાં એકવાર પણ ચક્રવાત ઓડિશાના દરિયાકિનારાને અથડાયો નથી. ૧૩૦ વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બર મહિનામાં અહીં ચક્રવાત આવી રહ્યો છે. આ પહેલાં ૧૯૯૯માં સુપર સાઇકલોન સાથે ૨૦૧૩ ફાઈલીન, ૨૦૧૪માં હૂડહૂડ, ૨૦૧૯માં ફાની, ૨૦૨૦માં અમ્ફાન પછી ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે.

 છેલ્લાં ૧૩૦ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બંગાળ સાગરમાં કોઈ ચક્રવાત નહોતું આવ્યું, પરંતુ ભારત મહાસાગરમાં ડિસેમ્બર મહિનામાં ઘણા ચક્રવાત આવ્યા છે. ૧૯૬૪માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આંદામાન સાગરમાં એક ચક્રવાત ઊભું થયું હતું. આ ચક્રવાતને કારણે ૨૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ થવાની સાથે દરિયામાં પણ ઊચી લહેર ઊઠી હતી.

(2:45 pm IST)