Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વિશ્વની અડધો ડઝન ટેક. કંપનીઓની કમાન ભારતીય મૂળના એકિઝક્યુટિવના હાથમાં

ગૌરવ... વિશ્વની અનેક ટોચની કંપનીઓમાં ભારતીય મૂળના અધિકારીઓ ટોચના સ્થાને બિરાજે છે

ન્યુયોર્ક, તા. ૧ : ટ્વીટરના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલના નામની જાહેરાત સાથે તેઓ અમેરિકા સ્થિત વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારતીય મૂળના એકિઝકયુટીવની સતત વિસ્તરતી જતી પાવર કલબમાં સામેલ થયા છે. હાલમાં વિશ્વની આશરે અડધો ડઝન ટેકનોલોજી કંપનીઓની કમાન ભારતીય મૂળના વ્યકિતના હાથમાં છે.
ટ્વીટરના વિદાય લઈ રહેલા સીઈઓ ડોર્સીએ સોમવારે જાહેરાત કરી હતી કે ૩૭ વર્ષના અગ્રવાલ કંપનીના નવા ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર બનશે. અગ્રવાલે આઈઆઈટી મુંબઈ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે. જેક ડોર્સીએ ૧૬ વર્ષ બાદ તેમને સ્થાપેલી કંપનીના સીઈઓ પદેથી રાજીનામુ આપ્યું છે.
ન્યુયોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર અગ્રવાલને ૧૦ લાખ ડોલરનો વાર્ષિક પગાર મળશે. આ ઉંપરાંત તેમને બોનસ, રિસ્ટ્રિકટેડ સ્ટોક યુનિટ અને પરફોર્મન્સ આધારિત સ્ટોક યુનિટ મળશે.
અગ્રવાલ હવે એવા ભારતીય મૂળના એકિઝકયુટીવમાં સામેલ થયા છે કે જેઓ બહુરાષ્ટ્રીય કંપનીઓની કમાન સંભાળે છે.
ગયા વર્ષના જાન્યુઆરીમાં ભારતીય મૂળના ટેકનોલોજી એકિઝકયુટીવ અરવિંદ ક્રિષ્ના વિશ્વકક્ષાની અનુગામી પ્રક્રિયા બાદ મહાકાય આઈટી કંપની આઈબીએમના ચીફ એકિઝકયુટીવ ઓફિસર બન્યા છે. તેમને આ હોદ્દા માટે વર્જિનિયા રોમેટ્ટીનું સ્થાન લીધું હતું. રોમેટ્રીએ આઈબીએમના નવા યુગ માટે અરવિંદ ક્રિષ્નાને યોગ્ય સીઈઓ તથા કલાઉંડ અને કોગ્નિટિવ યુગમાં કંપનીને દોરી જવા માટે સંપૂર્ણ સજ્જ ગણાવ્યા હતા.
ઓગષ્ટ ૨૦૧૫માં ગૂગલના નવા સીઈઓ તરીકે સુંદર પિચાઈના નામની જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં પિચાઈ ગૂગલની માલિક કંપની આલ્ફાબેટના સીઈઓ બન્યા હતા. સુંદર પિચાઈએ અગ્રવાલ અને બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરને શુભેચ્છા પાઠવીને જણાવ્યુ હતું કે ટ્વીટરના ભાવિ અંગે તેઓ ખૂબ જ ઉંત્સાહિત છે.
ફેબ્રુઆરી ૨૦૧૪માં સત્યા નડેલા અગ્રણી ટેકનોલોજી કંપની માઈક્રોસોફટના સીઈઓ બન્યા હતા. મલ્ટિનેશનલ કંપનીમાં એક સામાન્ય હોદ્દા પરથી સમગ્ર કંપનીના ટોચના સ્થાને પહોંચ્યા હોય તેવી ભારતીય મૂળના બીજા એકિઝકયુટીવમાં માસ્ટર કાર્ડના સીઈઓ અજય બંગા, પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયી, એડોબીના સીઈઓ શાંતનું નારાયણ પણ સમાવેશ થાય છે.
મુંબઈમાં જન્મેલા અગ્રવાલે સોમવારે ટ્વીટ કરીને જેક ડોર્સી અને સમગ્ર ટીમનો હ્દયપૂર્વક આભાર માન્યો હતો. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અગ્રવાલ ટ્વીટરના પીઢ એકિઝકયુટીવ છે અને તેઓ જેક ડોર્સીનો સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. તેઓ કંપનીના ઘણા વ્યૂહાત્મક પ્રોગ્રામમાં સામેલ હતા.

 

(10:36 am IST)