Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોંઘવારીનો વધુ એક ફટકો

કોમર્શિયલ બાટલાની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો

જો કે, ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે ૧૪.૨ કિલો સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથીઃ દિલ્હીમાં ૧૪.૨ કિલો સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમત ૮૯૯.૫૦ રૂપિયા પર યથાવત છે

નવી દિલ્હી,તા. ૧: ડિસેમ્બરના પ્રથમ દિવસે સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧ ડિસેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર ૧૦૦.૫૦ રૂપિયાનો વધારો થયો છે. અહીં હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને ૨૧૦૧ રૂપિયા થઈ ગઈ છે.

જો કે, ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે ૧૪.૨ કિલો સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કિલો સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમત ૮૯૯.૫૦ રૂપિયા પર યથાવત છે.

દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ૮૯૯.૫૦ રૂપિયા છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત ૯૨૬ રૂપિયા છે, મુંબઈમાં ૮૯૯.૫૦ રૂપિયા છે. ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે ૯૧૫.૫૦ રૂપિયા છે.

દિલ્હીમાં ૧૯ કિલો કોમર્શિયલ ગેસની કિંમત ૧૦૦ રૂપિયા વધીને ૨૧૦૦.૫૦ રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૦૧ રૂપિયા વધીને ૨,૧૭૪.૫ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત ૨૦૭૩.૫ રૂપિયા હતી.

મુંબઈમાં કોમર્શિયલ ગેસની કિંમત ૨,૦૫૧ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત ૧,૯૫૦ રૂપિયા હતી. કિંમતમાં ૧૦૧ રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, ચેન્નાઈમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૨,૨૩૪.૫૦ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત ૨,૧૩૩ રૂપિયા હતી.

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. તમે https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

ઇન્ડિયન ઓઇલે તેના ગ્રાહકો માટે એક નવા પ્રકારનો LPG સિલિન્ડર રજૂ કર્યો છે. તેનું નામ કમ્પોઝિટ સિલિન્ડર છે. આ સિલિન્ડર ત્રણ લેવલમાં બનાવવામાં આવ્યું છે. અંદરથી પ્રથમ સ્તર ઉચ્ચ દ્યનતા પોલિઇથિલિનથી બનેલું હશે. આ આંતરિક સ્તર પોલિમરથી બનેલા ફાઇબર ગ્લાસથી કોટેડ છે. સૌથી બહારનું પડ પણ HDPE નું બનેલું છે.

કમ્પોઝિટ સિલિન્ડર હાલમાં દેશના ૨૮ શહેરોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ, અજમેર, અલ્હાબાદ, બેંગ્લોર, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, કોઈમ્બતુર, દાર્જિલિંગ, દિલ્હી, ફરિદાબાદ, ગુરુગ્રામ, હૈદરાબાદ, જયપુર, જલંધર, જમશેદપુર, લુધિયાણા, મૈસુર, પટના, રાયપુર, રાંચી, સંગરુર, સુરત, તિરુચિરાપલ્લીનો સમાવેશ થાય છે. કમ્પોઝિટ સિલિન્ડર ૫ અને ૧૦ કિલોના વજનમાં આવી રહ્યું છે. આ સિલિન્ડર ટૂંક સમયમાં દેશના અન્ય શહેરોમાં પણ સપ્લાય કરવામાં આવશે.

(3:16 pm IST)