Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

એમ્સના ચીફે કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો, કોઈ આડઅસર નહીં

કોરોનની દેશી રસીને લઈને સારા સમાચાર : એક વોલિયન્ટરે વેક્સિનની સાઈડ ઈફેક્ટની વાત કરી હતી

નવી દિલ્હી, તા. ૧ : ભારત દુનિયાના એ પસંદગીના દેશોમાં સામેલ છે જ્યાં કોવિડ-૧૯ મહામારી ફેલાવનાર નોવેલ કોરોના વાયરસની વિરૂદ્ધ લડવામાં સફળતા મળી છે. દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના ચીફ ન્યુરોસાયન્સ ડૉ.એમવી પદ્મા શ્રીવાસ્તવે કહ્યું કે હવે ભારત સસ્તી રસી બનાવાની રાહ પર પણ આગળ વધી રહ્યું છે. ડૉ.શ્રીવાસ્તવ પાછલા સપ્તાહે કોવેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સામેલ થયા હતા. કોવેક્સીન ભારતની દેશી કોરોના રસી છે જેને આઈસીએમઆરની મદદથી દવા નિર્માતા કંપની ભારત બાયોટેક બનાવી રહ્યા છે. ડૉ.શ્રીવાસ્તવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મેં ગયા ગુરૂવારે દિલ્હી એઆઈઆઈએમએસમાં કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. બીજો ડોઝ ૨૮ દિવસ બાદ અપાશે. ૫૫ વર્ષના ડૉ.શ્રીવાસ્તવે કહ્યું કે તેમને રસી લીધા બાદથી હજી સુધી કોઇ સાઇડ ઇફેક્ટમાંથી પસાર થવું પડ્યું નથી. વાત એમ છે કે તાજેતરમાં ટ્રાયલમાં સામેલ થયેલા બીજા એક વોલેન્ટિયરે સાઇડ ઇફેક્ટસની વાત કરી હતી. એમ્સની યોજના કોવેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ૧૦૦૦થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવાનું છે. સૂત્રોએ કહ્યું કે ૪૦-૫૦ વોલેન્ટિયર્સે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે જેમણે પહેલો ડોઝ લઇ લીધો છે.

(9:18 pm IST)