Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિકાંડ મુદ્દે સુપ્રિમ કોર્ટ રાજય સરકાર સામે ફરી નારાજઃ તથ્યો સાથે નવુ સોગંદનામુ રજુ કરવા આદેશ

અમદાવાદઃ રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડના મુદ્દે સુપ્રીમ કોર્ટ ફરીથી ગુજરાત સરકાર સામે નારાજ થઈ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના રિપોર્ટમાં હોસ્પિટલોમાં સબ સલામત હોવાની વાત છે. ગુજરાત સરકારના રિપોર્ટ તેના જ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના રિપોર્ટ કરતાં અલગ છે. આમ હકીકત છૂપાવી રહી છે. સાચી હકીકત સામે આવવી જોઈએ.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ અગ્નિકાંડ મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના એફિડેવિટ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ અગ્નિકાંડમાં કુલ પાંચ લોકોના મોત નીપજ્યાં છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર સોગંદનામામાં તથ્યો દબાવવાનો આક્ષેપ કર્યો હતો અને આ મુદ્દે સાચા તથ્યો સાથે નવું સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ગુજરાત સરકાર પાસેથી રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે ખુલાસો માંગ્યો હતો. આ અગ્નિકાંડમાં પાંચ લોકોના મોત નીપજ્યાં હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે રાજ્ય સરકારને કહ્યું કે બધી વસ્તુ બરાબર પરંતુ વાયરિંગ બાબતે તમારા તથ્યો તમારા જ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જીનિયરથી જુદા છે. હોસ્પિટલને ચલાવનાર કંપની ગોકુલ હેલ્થ કેરના ત્રણ કર્મચારી – ચેરમેન, ડો. પ્રકાશ મોધા, કારોબારી નિર્દેશક – ડો. વિશાલ મોઘા સહિત ત્રણ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે બનાવેલી તપાસ સમિતિનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપ્યો છે તે અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ તો રાજકોટની વાત થઈ. અમદાવાદની હોસ્પિટલમાં જે લોકોના મૃત્યુ થયા હતા તેનું શું. આ મામલે વધારે સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરાશે.

આ ઉપરાંત રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડ અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ અંગે હકીકત છાવરવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાત સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ નારાજ થઈ ગઈ હતી. તેણે તથ્યોને યોગ્ય રીતે રજૂ કરવા નવી અરજી કરવાની સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમારા કહેવા મુજબ બધુ સલામત છે, પરંતુ તમારો રિપોર્ટ તમારા મુખ્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરતાં અલગ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે તેઓ આ મામલાને જુએ અને યોગ્ય રિપોર્ટ દાખલ કરે.

અગાઉની સુનાવણીમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યોની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સતત આવી ઘટનાઓ થઈ રહી છે, પરંતુ તેને રોકવા માટે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી.

સુપ્રીમ કોર્ટે સોલીસીટર જનરલ તુષાર મહેતાને નવા સોગંદનામામાં તમામ તથ્યો રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 3 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલે ફાયર સેફટીના નિયમોનું પાલન ન કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

(5:03 pm IST)