Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આજથી ઈ-વે બીલનો નવો નિયમ અમલી ૨૦૨૧થી GSTR-૩બીનો નિયમ બદલાશે

જીએસટી રીટર્ન નહિ ભરનારા વેપારીઓનું ઈ-વે બીલ જનરેટ નહિ થાયઃ બ્લોક થઈ જશે

નવી દિલ્હી, તા. ૧ :. આજે એટલે કે ૧લી ડીસેમ્બરથી ઈ-વે બીલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. જીએસટી રીટર્ન દાખલ કરવામાં આળસ કરનારા વેપારીઓ માટે ઈ-વે બીલનો નવો નિયમ મોંઘો સાબિત થઈ શકે છે. જે અનુસાર બે કે તેથી વધુ વખત સુધી જીએસટીઆર ૩-બી રીટર્ન દાખલ નહિ કરનાર વેપારી આજથી ઈ-વે બીલ જનરેટ નહિ કરી શકે. બીજા રાજ્યોમાં ૫૦ હજાર રૂ.થી વધુનો માલ મોકલવા માટે ઈ-વે બીલ જનરેટ કરવુ જરૂરી હોય છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી જીએસટીઆર ૩-બી દાખલ કરવાનો નિયમ પણ બદલાય રહ્યો છે. ૧લી જાન્યુઆરીથી વેપારીઓએ જીએસટીઆર ૩-બી દર મહિનાના બદલે ૩ મહિનામાં એક વખત દાખલ કરવુ પડશે.

જીએસટી નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે આજથી ઈ-વે બીલનો નવો નિયમ ૫ કરોડથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓ પર લાગુ થશે. આ વેપારીઓએ જો આ વર્ષે ઓકટોબર સુધી બે કે તેથી વધુ વખત જીએસટીઆર ૩-બી દાખલ ન કર્યુ હોય તો તેમનુ ઈ-વે બીલ આજથી બ્લોક થઈ જશે. નિષ્ણાંતો કહે છે કે સરકારે અગાઉથી નિયમોની માહિતી આપી દીધી છે. આ જ કારણે તેઓને ૩૦ નવે. સુધી પોતાના રીટર્ન દાખલ કરવા માટે જણાવાતુ હતુ. સૂત્રોએ કહ્યુ છે કે ઈ-વે બીલ બ્લોક થવા પર વેપારીઓએ પહેલા પોતાનુ અગાઉનુ રીટર્ન દાખલ કરવુ પડશે તે પછી તેઓ ઈ-વે બીલ જનરેટ કરી શકશે.

નિષ્ણાંતોએ કહ્યુ છે કે ઈ-વે બીલ પ્રણાલીથી બ્લોક થવા પર વેપારી ૧ લાખ રૂપિયાના માલના ૧ બીલ ન બનાવીને ૪૫ - ૪૫ હજારના બે અને ૫ હજારનું એક બીલ બનાવીને માલને બીજા રાજ્યમાં મોકલી શકશે. આજે જ નવેમ્બરનો જીએસટીના કલેકશનનો આંકડો પણ જાહેર થશે.

(10:55 am IST)