Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

આલોક વર્મા મુશ્કેલીમાં : રૂ. ૩૬ કરોડની લાંચ લીધાનો વધુ એક ગંભીર આરોપ

તપાસ બંધ કરવા લાંચ લીધાની ફરિયાદ

નવી દિલ્હી તા. ૧ : રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઇના ડાયરેકટર આલોક વર્માની મુશ્કેલીઓ વધી રહી છે. તેઓ ૩૬ કરોડની લાંચના એક વધુ મામલામાં ઘેરાઇ શકે છે. હરિયાણામાં જમીન અધિગ્રહણના એક કેસમાં ખેડૂતોના વકીલ જસબીરસિંહ મલિકે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાની સીબીઆઇ ડાયરેકટર આલોક વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ મૂકતી કેબિનેટ સચિવને કરાયેલી ફરિયાદનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેમાં સીબીઆઇ ડાયરેકટરને રૂ.૩૬ કરોડની લાંચ તપાસ બંધ કરવા માટે આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સંજોગોમાં સીબીઆઇ દ્વારા કોર્ટ પાસેથી તપાસ પૂરી કરવા માટે વારંવાર સમય માગવો એ એક પ્રકારની શંકા ઊભી કરે છે. ખેડૂતોના વકીલ દ્વારા કરાયેલ આ ઘટસ્ફોટને ગંભીર ગણાવીને આ મામલામાં કોઇને પણ છોડવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું.

કોર્ટે વકીલોને આ લાંચ કાંડમાં સંબંધિત દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ કરીને કેસની સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજવા જણાવ્યું હતું. આ કેસ ગુરૂગ્રામમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિકાસ માટે ર૦૦૯-૧૦માં સંપાદિત કરવામાં આવેલી ૧૪૦૦ એકર જમીનમાંથી હરિયાણા સરકાર દ્વારા પાછળથી ૧૩૧૩ એકર જમીન રિલીઝ કરવા અંગેનો છે.

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે નવેમ્બરમાં સંપાદિત જમીન રિલીઝ કરવાના કેસની સીબીઆઇ તપાસ માટે આદેશ કર્યા હતા કે જેથી ખબર પડી શકે કે જમીન રિલીઝ કરવા પાછળ નાણાકીય લેવડદેવડ કે બિલ્ડરો સાથે કોઇ સાઠગાંઠ હતી કે કેમ? અદાલતે સીબીઆઇને તપાસ કરીને છ મહિનામાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. સીબીઆઇ દ્વારા તપાસ પૂરી કરવા માટે વધુ એક વખત સમય માગવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોના વકીલ જસબીરસિંહ મલિકે સીબીઆઇની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે સીબીઆઇના સ્પેશિયલ ડાયરેકટર (અસ્થાનાનું નામ લીધા વગર) ર૪ ઓગસ્ટ ર૦૧૪ના રોજ કેબિનેટ સચિવને પત્ર લખીને એવો આક્ષેપ કર્યો હતો કે હરિયાણા કેડરના એક આઇએએસ અધિકારીએ સીબીઆઇ ડાયરેકટરને તપાસ બંધ કરવા માટે રૂ.૩૬ કરોડની લાંચ આપી હતી.(૨૧.૨૯)

(3:24 pm IST)