Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જો આવું થયું તો આખી દુનિયાને ફ્રીમાં મળશે વાઇફાઇ!

ચીનની કંપનીનો પ્લાન : ૩૦૦૦ કરોડનું કરશે રોકાણ : સ્પેસ એકસને મળી લીલી ઝંડી : ગુગલ પણ રેસમાં

બીજિંગ તા. ૧ : ચીનની કંપની LinkSure Network ટૂંક સમયમાં જ આખી દુનિયાને ફ્રી વાઈફાઈ સેવા આપવાની શરૂઆત કરી શકે છે. લિંકશ્યોર નેટવર્કનું કહેવું છે કે તેનું પહેલું સેટેલાઈટ આવતા વર્ષે ચીનના ગાંસુ પ્રાંતમાં સ્થિત જિઉકુઆં સેટેલાઈટ સેન્ટરમાંથી લોન્ચ થશે. ૨૦૨૦ સુધીમાં અંતરિક્ષમાં અન્ય દસ સેટેલાઈટ્સ મોકલવાની યોજના છે. એક રિપોર્ટ અનુસાર ૨૦૨૬ સુધીમાં અંતરિક્ષમાં લિંકશ્યોરના ૨૭૨ સેટેલાઈટ્સ હશે. જે આખી દુનિયાને ફ્રીમાં વાઈફાઈ ઉપલબ્ધ કરાવશે.

કંપનીના સીઈઓ વોંગ જિંગ્યિંગે જણાવ્યું કે આ યોજનાને સફળ બનાવવા માટે કંપની ૩૦૦૦ કરોડનું રોકાણ કરશે. જોકે, તેમણે જણાવ્યું કે આ યોજના સફળ થશે તો તેનાથી કમાણી પણ કરવામાં આવશે. ચીનના એક ન્યૂઝપેપરના જણાવ્યાનુસાર અંતરિક્ષથી આવતા વાઈફાઈ નેટવર્કને લોકો સરળતાથી સ્માર્ટફોન સાથે કનેકટ કરશે. આ નેટવર્ક ત્યાં પણ પહોંચશે જયાં ટેલિકોમ નેટવકર્સ નથી પહોંચી શકતાં.

એક રિપોર્ટ અનુસાર દુનિયામાં ૩૦૦ કરોડથી વધારે લોકો ઈન્ટરનેટ વિહોણાં છે. નોંધનીય છે કે આ જ વર્ષે SpaceX ને અંતરિક્ષમાં ૭૦૦૦ સ્ટારલિંક સેટેલાઈટ મોકલવા માટે લીલી ઝંડી મળી છે. સ્પેસ એકસ આવતાં કેટલાક વર્ષમાં અંતરિક્ષ પરથી ધરતી પર ઈન્ટરનેટ સેવા મોકલનાર ૧૬૦૦ સેટેલાઈટ્સ મોકલશે.

સ્પેસએકસ ઉપરાંત, ગુગલ, વનવેબ અને ટેલીસેટ જેવી કંપનીઓ પણ આ જ રીતની યોજના અમલમાં મૂકવાની તૈયારીમાં છે. જો બધું સારૂ રહ્યું તો ટૂંક સમયમાં જ કંપનીઓના સેટેલાઈટ્સ અને બલૂન્સ અંતરિક્ષમાંથી આખી ધરતીને હાઈ સ્પીડ વાઈફાઈ સેવા પૂરી પડશે.(૨૧.૮)

(11:42 am IST)