Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


સિરિયલ ચોરઃ ૪ મહિનામાં હોટેલોમાંથી ૧ર૦ ટીવી ચોરી ગયો

બેંગ્લોર તા.૧ : બેંગ્લોરની પોલીસે વાસુદેવ નાનયા નામના ૩૪ વર્ષના યુવકને તેના અનોખા કારનામા માટે પકડયો છે. છેલ્લા ચાર મહિનામાં તેણે લગાતાર સિરિયલ ચોરી કરીને હોટેલોમાંથી ૧ર૦થી વધુ ટીવી સેટ ગાયબ કરી દીધા છે. ભાઇ સાહેબની કાર્ય પદ્ધતિ એકસરખી રહી છે. કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશની હોટેલોમાં તે મોટી બેગ લઇને રહેવા માટે જતો અને રૂમમાં રહેવા માટે થોડીક એડવાન્સ રકમ ચુકવતો, જયારે રૂમ છોડીને જવાનુ હોય ત્યારે ટીવી સેટ મોટી બેગમાં ભરીને સાથે લઇ જતો. જો તેની રૂમનો ટીવી સેટ મોટો હોય તો તે લોકલ માર્કેટમાં જઇને એની સાઇઝની મોટી બેગ ખરીદી લાવતો. તે હોટેલના સ્ટાફ સાથે એટલી સારી રીતે રહેતો કે કોઇને શંકા જતી નહી કે આ ભાઇ જ હાથ-સફાઇ કરી ગયો છે. કેટલાક હોટેલવાળાઓ એક ટીવીની ચોરીની ફરિયાદ પણ નહોતા કરતા એમ છતાં ત્રણેય રાજયોની હોટેલોમાંથી બે ડઝનથી વધુ કિસ્સા નોંધાયા ત્યારે પોલીસ ચોકથી થઇ ગઇ. કોઇ રીતે આ ભાઇનું પગેરૂ મળતુ નહોતુ પરંતુ જયારે ડઝનબંધ ટીવી ભેગા થઇ ગયા ત્યારે વાસુદેવ એકસામટા ટીવી એક જ દુકાને વેચવા નીકળ્યો ત્યારે દુકાનદારને શંકા ગઇ. તેણે તરત પોલીસને જણાવ્યુ અને ભાઇ પકડાઇ ગયા. અત્યાર સુધીમાં તેમણે ૧૦૦ જેટલા ટીવી વેચી માર્યા હતા અને લગભગ બે ડઝન ટીવી તેની પાસેથી મળ્યા હતા.

(4:47 pm IST)