Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મોદીએ ચૂંટણીનો સાચો ચિતાર મળે તે માટે ગુજરાતમાં ૮ જગ્યાએ પોતાના ''વોરરૂમ''શરૂ કર્યા

ભ્રામક માહિતિ ન મળે અને પોતે અંધારામાં ન રહે એ માટેઃ ગુજરાતથી રજેરજની માહિતિ મોકલાય રહી છે દિલ્હી

નવી દિલ્હી તા.૧: ગુજરાત વિધાનસભાના ઇલેકશનમાં આ વખતે BJPને સામી છાતીએ કોંગ્રેસ અને પાટીદારો નડી રહ્યા છે એવા સમયે પોતાને કોઇ જાતની ભ્રામક ઇન્ફર્મેશન મળે નહીં અને પોતે અંધારામાં રહે નહીં એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીની એકપણ વ્યકિતનો વિશ્વાસ કરવાને બદલે RSS અને એના કાર્યકરો  પર વિશ્વાસ રાખવાનું પસંદ કર્યુ છે અને RSSના કાર્યકરોની મદદથી તેમણે ગુજરાતનાં મહત્વના આઠ શહેરોમાં કામચલાઉ ઓફિસ પણ શરૂ કરી દીધી છે. આ ઓફિસને વોર-રૂમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓફિસોથી એકધારો ડેટા નરેન્દ્ર મોદીને મોકલવામાં આવે છે અને સાથોસાથ મીડિયાના રિપોટ્ર્સની સમરી પણ અહીંથી મોદીને મોકલવામાં આવે છે.

નરેન્દ્ર મોદી માટે ગુજરાત સૌથી મહત્વનું છે. ગુજરાતમાં તેમણે વાપરેલી સ્ટ્રેટેજીનો જ ઉપયોગ અત્યારે કેન્દ્ર સરકારમાં થઇ રહ્યો છે એવા સમયે ગુજરાત નરેન્દ્ર મોદી માટે સૌથી મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં BJPને નબળું પરિણામ મળે કે ગુજરાત BJPએ ગુમાવવું પડે તો એ માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીની હાર ગણાશે અને એવું બને એ નરેન્દ્ર મોદી નથી ઇચ્છતા. આ  જ કારણે તેમણે પાર્ટીના એક પણ મેમ્બર પર ભરોસો કરવાને બદલે પોતાની રીતે પોતાની ઓફિસ બનાવીને સેનું કામ શરૂ કરી દીધું છે. એવું નથી કે ચાલી રહેલી આ ઓફિસો વિશે BJPના સિનિયર નેતાઓને જાણ નથી, પણ એમ છતાં એ ઓફિસની એક પણ પ્રકારની કામગીરીમાં દખલ કરવાની કે ત્યાં જવાની પરમિશનએ નેતાઓને નથી.

આ ઓફિસોમાંથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની પોતાની સ્ટ્રેટેજી બને છે અને આ જ ઓફિસમાંથી મળતી ઇન્ફર્મેશનને આધાર નરેન્દ્ર મોદી પોતાની સભાની સ્પીચનું પણ પ્લાનિંગ કરે છે. આ આઠ ઓફિસ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. આ ઓફિસોએ BJP માટેની નેગેટિવ બાબતોની સૌથી પહેલાં જાણ કરવાની છે એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

 

(11:50 am IST)