Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

આ વખતે ઠંડી ધ્રુજાવશે નહિઃ સામાન્યથી ઓછી ઠંડી પડશે

હવામાન વિભાગની આગાહીઃ ડીસે.-ફેબ્રુ. વચ્ચે માત્ર એક ડીગ્રીનો જ વધારો થશેઃ શીત લહેર સામાન્ય રહેશે

નવી દિલ્હી તા. ૧ :.. હવામાન વિભાગે આ વખતે સામાન્યથી ઓછી ઠંડી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે ડીસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અંદાજે તાપમાનમાં એક ડીગ્રી સુધીનો જ વધારો જોવા મળશે. જયારે શીત લહેર સામાન્યથી ઓછી રહેશે.

હવામાન વિભાગ તરફથી ગઇકાલે ઠંડીના ત્રણ મહિના માટે પૂર્વાનુમાન જાહેર કરાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરના રાજયોમાં તાપમાનમાં વધારો એક ડીગ્રી સુધીનો રહેશે. જયારે દક્ષિણી રાજયોમાં તે અડધી ડીગ્રી સુધીનો રહેશે. ગયા વર્ષે પણ તાપમાન સામાન્ય થી વધુ હતું જો કે વિભાગે કહયું કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે નહીં. પરંતુ ઠંડીના તાપમાનમાં વધારો સતત સંકેત ચિંતાજનક છે.

મૌસમ વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી તથા જમ્મુ-કાશ્મીરના અધિકતમ તાપમાનમાં એક ડીગ્રીનો વધારો થવાની શકયતા છે. જયારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં આ વધારો ૦.પ ડીગ્રીથી માંડીને એક ડીગ્રી સુધીની રહેશે. બાકીના ભાગોમાં વધારો ૦.પ ડીગ્રી સુધીની શકયતા છે. પરંતુ કેરળ  તેમજ રોયલસીમાં ભાગોમાં તાપમાન થોડું ઓછું રહેશે.

આ જ પ્રકારે ગુજરાત, પંજાબ સહિત કેટલાક ભાગોમાં ન્યુનતમ તાપમાનમાં પણ અડધાથી વધુ એક ડીગ્રી સુધીનો વધારાનો અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. વિભાગે કહયું કે દેશનું અંદાજે તાપમાન ઠંડીમાં એક ડીગ્રીથી વધુ રહેશે. (પ-૯)

 

(4:52 pm IST)