Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જીડીપીમાં સુધારો ભાજપને ગુજરાતમાં ફાયદો કરાવશે?

મનમોહન સરકારમાં જીડીપી ૪ ટકા હતો અત્યારે ૬.૩ ટકાઃ વિજય રૂપાણીઃ ભાજપ ગ્રોથ રેટનો ફાયદો મેળવવા પ્રયાસ કરશે

નવી દિલ્હી તા. ૧ : હવે ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ૧૦થી પણ ઓછા દિવસો બાકી રહ્યા છે. જેમ-જેમ તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી પ્રચારની સાથે આરોપ-પ્રત્યારોપની ઘટનાઓ સતત વધી રહી છે. મોંઘવારી અને બેરોજગારીના સવાલ પર ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકાર માટે ગુરુવારનો દિવસ સારો રહ્યો છે. આર્થિક રીતે સરકાર માટે આ મહિને સારી ખબર આવી છે. બીજી ત્રિમાસિક (જુલાઈથી સપ્ટેમ્બર)નો GDP દર ૬.૩ ટકા પર પહોંચ્યો છે. આ પહેલા એપ્રિલથી જૂન વચ્ચેના પહેલા ત્રિમાસિક GDP દર ૫.૭ ટકા રહ્યો હતો. ત્યારે મોદી સરકારની ખૂબ નિંદાઓ થઈ હતી. નવા આંકડા જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેના છે. માનવામાં આવી રહ્યું છે કે, જીએસટી લાગુ થયા પછી GDP ગ્રોથ થયો છે. આ પહેલા મોદી સરકારમાં સતત પાંચ વખત GDPમાં ઘટાડો થતો રહ્યો હતો.

કોંગ્રેસ સતત આર્થિક રીતે મોદી સરકારને ઘરેતી રહી છે. એવામાં GDP ગ્રોથના આ આંકડા ગુજરાતની ચુંટણી વચ્ચે ભાજપ અને મોદી સરકાર માટે સારી અને મોટી રાહત આપનારી ખબર છે.

માનવામાં આવી રહ્યું છે કે, ભાજપને ગુજરાત ચૂંટણીમાં આ સારી ખબરથી ફાયદો થશે. ગુજરાતમાં પણ વ્યવસાયી જીએસટી પછી મુશ્કેલીઓ વધી હતી. એવામાં ભાજપ હવે આ રિપોર્ટના આધારે લોકોને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરી શકે છે.

GDPના આંકડા આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મનમોહનસિંહની સરકારમાં ૪ ટકા GDP થઈ ગયો હતો, ફુગાવો વધ્યો હતો, મોંઘવારી વધી હતી, આ બધી નેગેટિવ અસર દેશના લોકોએ જોઈ હતી. જયારથી નરેન્દ્ર મોદીએ સત્ત્।ા સંભાળી ત્યારથી આર્થિક રીતે સાચી દિશામાં દેશને લઈ જવા માટે મોટાંમાં મોટાં પગલાં હિંમતભેર ઉઠાવ્યાં. એ સમયે કોંગ્રેસે હોબાળો કર્યો હતો, વિરોધીઓ બોખલાઈ ગયા હતા. વિરોધીઓ કહેતા હતા કે, નોટબંધી અને જીએસટીને કારણે દેશ બરબાદ થઈ ગયો છે, વેપાર-ધંધા ખતમ થઈ ગયા છે, કોઈ પાસે કામ નથી. આજે તેમને જડબાતોડ જવાબ મળ્યો છે. નોટબંધી-જીએસટી સાચો નિર્ણય હતો. તેની અસર હવેથી શરૂ થઈ ગઈ છે. આજે સીએસઓએ જે આંકડા આપ્યા છે, તે કોંગ્રેસને જડબાતોડ જવાબ છે.' (૨૧.૧૨)

 

(11:45 am IST)